- સુરતમાં હનીટ્રેપની ઘટના આવી સામે
- પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
- 7 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરત: વરાછા વિસ્તારમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદાર અને તેના મિત્રને હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી 2 લાખ પડાવી લેનારા 2 પુરુષ અને 3 મહિલા સહિત 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે પોલીસનો સ્વાંગ રચનારા માસ્ટર માઇન્ડ સહિત 2ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
અજાણ્યા યુવાનો ફિલ્મી સ્ટાઇલમાં ફ્લેટનો દરવાજો ખોલી ધસી આવ્યા
સુરત શહેરના આંજણા ફાર્મમાં લેસપટ્ટીનું કારખાનું ચલાવતા અને વરાછા વિસ્તારમાં રહેતા વેપારીએ 2 દિવસ અગાઉ વતનથી આવેલા મિત્ર સાથે શરીરસુખ માણવા રેખા નામની મહિલાનો સંર્પક કર્યો હતો. રેખાએ બન્ને મિત્રોને પુણા ગામના અર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.બી 201માં બોલાવ્યા હતા, જયાં રેખાએ અર્ધવસ્ત્રમાં 2 મહિલાનો પરિચય કરાવી શરીરસુખ માણવા માટે 1 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. આ વાતચીત ચાલી રહી હતી, ત્યારે 4 અજાણ્યા યુવાનો ફિલ્મી સ્ટાઇલમાં ફ્લેટનો દરવાજો ખોલી ઘસી આવ્યા હતા. 4 પૈકી એક યુવકે પોતે પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી હતી અને પોતાનું નામ અમીત જણાવ્યું હતું, જ્યારે બીજા મિત્રએ વિજય તરીકે ઓળખ આપી હતી. ત્યારબાદ બન્ને યુવકોએ અહીં સેક્સ રેકેટ ચાલતું હોવાનું જણાવ્યું હતું.
પોલીસનો સ્વાંગ રચનારા 2 ભેજાબાજની ધરપકડ
વેપારીએ કારનો નંબર જીજે-15 એડી-9517 જોતા તેને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસનો સ્વાંગ રચનારા 2 ભેજાબાજને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 2 પૈકી વિજય વિરુદ્ધ સરથાણા અને અમીત વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાય છે અને આ લોકોની ગેંગમાં ભાવનગરના હોમગાર્ડની પણ સંડોવણી હોવાની શકયતા છે.