- કોરોના સંક્રમિત થયાની જાણકારી ટ્વીટર પર આપી
- સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ
- ગણપત વસાવાની પત્નીને પણ લાગ્યો ચેપ
સુરત: રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની પત્ની પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ નવા રેકોર્ડ સાથે કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યના શીર્ષ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
સુરતની ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ
રવિવારના રોજ સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય કેબિનેટમાં વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્ની પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય લક્ષણો જણાતાં કરાવ્યો હતો ટેસ્ટ
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રધાન ગણપતસિંહ વસાવાએ ટ્વીટર પર આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરની સલાહથી હાલ પોતે સારવાર હેઠળ હોવાનું અને જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને કાળજી લેવા જણાવ્યું હતું.