સુરત: નવસારીના જલાલપોરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી નજીકથી બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને તરછોડી દીધા બાદ શ્વાને બાળકીના ડાબા પગ સહિતના અંગો ફાડી ખાધા હતાં.
નવસારીના સમીર ગાંધી ચીકુ અને કેરીના ફાર્મમાંથી નવજાત બાળકી મળતા ચકચાર મચી ગઈ હતી. ત્યજી દેવાયેલી બાળકીને પ્રથમ ખેતરમાં કામ કરનારા અશોક દન્તાણીએ જોઇ હતી. બાળકીના ડાબા પગને શ્વાને ફાડી ખાધો હતો.
અશોકે બાળકીને કુતરાઓથી છોડાવી ગંભીર અવસ્થામાં 108 એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જલાલપોર પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.