- ચૂંટણીમાં વિજય થયેલા 27 ઉમેદવારો સહિત અન્ય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી
- કોઈ એક પણ કોર્પોરેટર ભાજપ માં જશે તો 6 કરોડ લોકોની આશા તૂટવાની વાત કરી
- શરૂઆતમાં ઓછી બેઠકો મેળવ્યા બાદ દિલ્હીમાં સરકાર બનાવી હોવાનું ઉદાહરણ મૂક્યું
સુરત: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પોતાના કાર્યકર્તાઓના ઘરે પહોંચ્યા હતા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજય થયેલા 27 ઉમેદવારો સહિત અન્ય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જમીન ઉપર બેસ્યા હતા. આ બેઠકથી સુરતમાં આમ આદમી પાર્ટી પોતાને લો પ્રોફાઇલ લોકો સામે રજુ કરવાની કવાયત કરી હતી. તેમણે પોતાના કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને સાથે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં પ્રજાલક્ષી કાર્ય કરશો. કોઈ રજૂઆત કરવા આવે તો ચોક્કસથી તેમને એક કપ ચા પીવડાવજો. મ.ન.પા.માં ભાજપને કોઈપણ ગેરરીતિ કરવા દેશો નહીં.
જો સારું કામ કરશો તો 2022માં ક્રાંતિ આવશે
અરવિંદ કેજરીવાલે સુરતમાં પાર્ટીની જીતને લઈને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તેમને પોતાની તરફ કરવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે. સુરતમાં થયેલી જીતને લઇ તેમણે કહ્યું હતું કે, આખા દેશમાં આ જીતની ચર્ચા ચાલી રહી છે. જો સારું કામ કરશો તો 2022માં ક્રાંતિ આવશે. ભાજપવાળા તમને ફોન કરશે પરંતુ અમારી પાસે પ્રજાનો ભરોસો છે. જો કોઈ એક પણ કોર્પોરેટર ભાજપ માં જશે તો 6 કરોડ લોકોની આશા તૂટી જશે. ભાજપ એ જ બતાવશે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તૂટી ગયા છે. તમને ડરાવવા અને ધમકાવવા માટેના પ્રયાસો પણ થશે.
આદમી પાર્ટીના કોર્પોરેટર એકની સામે દસ કોર્પોરેટરની જેમ છે
તેમણે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા સાફ કહી દીધું હતું કે, જો તેઓ પ્રજાલક્ષી કાર્ય કરશે તો 2022માં ચોક્કસથી ક્રાંતિ આવશે એટલું જ નહીં પોતાના કાર્યકર્તાઓ ને જણાવ્યું હતું.કે જે રીતે દિલ્હીમાં અગાઉ AAPની ઓછી બેઠકો આવી હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે જ રીતે ભલે હાલ ભાજપમાં 93 જેટલા કોર્પોરેટર હોય અને આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટર હોય, તેમ છતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એકની સામે 10 કોર્પોરેટરની જેમ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર કર્યા પ્રહાર
કેજરીવાલે પોતાના મંતવ્ય માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મોટા ભાજપના નેતાના કહ્યા પ્રમાણે સોનાની થાળીમાં ખીલી ઠોકી છે. તમારે સમજવું પડશે કે એ લોકો તમારાથી નથી ડરતા, આમ આદમી પાર્ટીથી પણ નથી ડરતા. એ લોકો તેનાથી ભયભીત છે, જેમણે તેમને મત આપ્યા છે.