સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી અંબિકા ડાઇંગ મિલમાં કાર્યરત વૃદ્ધ શ્રમિકનું મિલના ડ્રેનેજમાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. મુળ બિહારના વતની શ્રીજીવન જયદેવ ઝા નામના એક વયોવૃધ્ધ કારીગર રવિવારે મોડી રાત્રે અંબિકા મિલની ડ્રેનેજમાં પડી ગયા હતા. શ્રીજીવન જયદેવ ઝા બોઇલર વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા હતા.
પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યા છે કે, મૃતદેહને બહાર કઢાયા બાદ સુપરવાઇઝર અને તેના મળતિયાઓએ શ્રીજીવન જયદેવનો મૃતદેહ બોઇલરમાં નાંખી મામલો રફેદફે કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, અન્ય કારીગરોને ખ્યાલ આવતા તેઓએ વિરોધ કર્યો હતો અને સુપરવાઇઝરને ઘેરી લીધો હતો.
આ ઘટનામાં ગભરાયેલો સુપર વાઇઝર મિલમાંથી નાસી ગયો હતો. બાદમાં પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી.