- VNSGUમાં યોજાયેલા ગરબા વિવાદનો મામલો
- પોલીસે ગરબામાં આવી 7 વિદ્યાર્થી સહિત આયોજકની અટકાયત કરી હતી
- પોલીસે 7 વિદ્યાર્થીઓને ઢોર માર્યો હોવાનો ABVPનો આક્ષેપ
- ABVPના કાર્યકર્તાઓએ ઉમરા પોલીસનો કર્યો વિરોધ
સુરતઃ શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ગરબાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન અચાનક પોલીસે આવીને સાત વિદ્યાર્થી સહિત આયોજકની અટકાયત કરી હતી. પોલીસ આ તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તમામ લોકોને ઢોર માર માર્યો હોવાનો ABVPએ આક્ષેપ કર્યો હતો. તો આ મામલે ABVPના કાર્યકર્તાઓએ જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનની બહાર PIને સસ્પેન્ડ કરોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ પણ વાંચો- સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ
ABVPએ સુરત કલેક્ટરને આપ્યું આવેદન
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ યુનિવર્સિટીની બહાર રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ ઉમરા પોલીસ તથા પોલીસ ઈન્સ્પેક્ટર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ સાથે સુરત કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ ઉપરાંત ઉમરા પોલીસના પી.આઈને સસ્પેન્ડ કરોના સૂત્રોચ્ચાર કરી ઉમરા પોલીસનો વિરોધ દર્શાવી રહ્યા છે.
આ પણ વાંચો- પૂર્વ મુખ્યપ્રધાનના દિકરાના સાથીઓ પર આવકવેરા વિભાગના દરોડા, 750 કરોડ રૂ.ની બેનામી સંપત્તિ મળી
ઉમરા પોલીસ PI ચેમ્બરની બહાર ABVPનો હલ્લાબોલ
ABVPના કાર્યકર્તાઓ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચીને ઉમરા પોલીસ ચેમ્બરની બહાર જ સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVPએ આક્ષેપ કર્યો હતો કે, ઉમરા પોલીસે અટકાયત કરેલા 7 જેટલા વિદ્યાર્થીઓને છોડાવા આવેલા વકીલો સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
પોલીસે બેદરકારી કરી છે કે નહીં તે બાબતે તપાસ થશે
તો આ તરફ ઝોન 3 DCP કિશોર બોડાણાને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ABVPના પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા અને તેમના બીજા સાથી વિદ્યાર્થીઓ હતા. તેમણે પોલીસ સાથે બોલાચાલી કરતા પોલીસે તેમને ડિટેઈન કર્યા હતા અને એમાં બીજા વિદ્યાર્થીઓ પણ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો પોલીસે કોઈ બેદરકારી કરી છે કે, નહીં તે બાબતે હું તપાસ કરીશ અને મેં પૂછપરછ શરૂ કરી દીધી છે.
વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માગ
તો ABVPના મંત્રી હિમાલયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમારી એક જ માગ છે. જે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. તેવા પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો અમારી માગ પૂરી નહીં થાય તો અમે દરેક જગ્યા પર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ગરબાનું આયોજન કરીશું. અમે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરીએ છીએ કે, વિદ્યાર્થીઓને ન્યાય અપાવે.