- છત્તીસગઢના કાપડના વેપારી સુરત બહેનના ઘરે લૌકિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા
- વેપારી રીક્ષામાં દાગીના સહિતની બેગ ભૂલી ગયા હતા
- એસ.ઓ.જી.એ રીક્ષા ચાલકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો
સુરત: છત્તીસગઢથી સુરતમાં રહેતી બહેનના ઘરે લૌકિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વેપારી રીક્ષામાં દાગીના સહિતની બેગ ભૂલી ગયા હતા. આ અંગે સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને જાણ કરતા એસ.ઓ.જી.એ રીક્ષા ચાલકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો અને બેગ પરિવારને પરત કરી હતી. બીજી તરફ રીક્ષા ચાલકને પણ જાણ નહોતી કે પરિવાર બેગ રીક્ષામાં ભૂલી ગયો છે.
દાગીના ભરેલી બેગ રીક્ષામાં પરિવાર ભૂલી ગયો હતો
છત્તીસગઢના સરગુજા જીલ્લાના અમ્બીકાપુર ખાતે રહેતા કાપડના વેપારી સુનીલભાઈ અગ્રવાલ સુરતમાં રહેતા બહેનના ઘરે લૌકિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. સમાજના રીતિ-રીવાજ મુજબ તેમણે બહેનને આપવા માટે સોનાના પાટલા લીધા હતા. તેઓ ઉમરાની હોટેલમાંથી નીકળી વેસુના ખાટુશ્યામ મંદિર પહોંચ્યા હતા, ત્યારે બેગ લેવાનું ભૂલી ગયા હતા અને રીક્ષા ચાલક પણ રીક્ષા લઈને નીકળી ગયો હતો. આ અંગે તેમણે સમાજના આગેવાનોને જાણ કરી હતી. સમાજના આગેવાનોએ આ અંગે સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી અને સુરત પોલીસ કમિશ્નરે આ મામલે એસ.ઓ.જી. પોલીસને કામે લગાડી હતી.
પોલીસે રીક્ષા ચાલકને શોધી બેગ પરત કરી
એસ.ઓ. જી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી રીક્ષાનો નંબર અને તેની પાછળ પાંડેસરા પોલીસ લખ્યું હોય તે દિશામાં તપાસ શરુ કરી હતી. આરટીઓમાંથી ચાલકનું નામ સરનામું મેળવી તપાસ કરતા ચાલકનું જે સરનામું હતું ત્યાં તે અગાઉ ભાડેથી રહેતો હતો અને મકાન માલિક અને ભાડુઆત પાસે ચાલકનો નંબર નહોતો. આથી એસ.ઓ.જી.એ રીક્ષા પાછળ પાંડેસરા પોલીસ સ્ટેશન લખ્યું હોય તે વિસ્તારના રીક્ષાના ગેરેજમાં તપાસ કરતા ગેરેજના માલિક પાસેથી છેવટે ચાલકનો નંબર મળ્યો હતો અને તેને ફોન કરી હકીકતની જાણ કરી હતી.
સહીસલામત મળી બેગ
રીક્ષા ચાલકને પણ બેગ અંગે જાણ નહોતી. ચાલકે રીક્ષામાં તપાસ કરતા રીક્ષામાંથી બેગ મળી હતી અને તેણે બેગ પોલીસને સોંપી હતી અને પોલીસે તે બેગ પરિવારને સોંપી હતી. ચાલકને પણ ખબર નહોતી કે બેગ રીક્ષામાં રહી ગઈ છે અને આ પરિવાર બાદ રીક્ષામાં કોઈ મુસાફર ન બેસતા બેગ સહીસલામત રહી ગઇ હતી.
વધુ વાંચો: દીકરીના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે શ્રમજીવી પિતાએ 5 દિવસમાં એકત્ર કર્યું 16 લાખથી વધુનું ફંડ
વધુ વાંચો: સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થયો