સુરત: જિલ્લાના પલસાણા ખાતે આવેલી મિલમાં ગુરુવારે મળસ્કે ભીષણ આગ (Palsana mill Of Surat) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલમાં યાર્ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ કિમી સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યાં હતાં. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પલસાણા ખાતે આવેલી સૌમ્યા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડમાં ગુરુવારે 3.30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કૉલ જાહેર કરવાની ફરજ પડી હતી. આગ ઓલાવવા માટે પલસાણા ઉપરાંત બારડોલી અને સુરતથી પણ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાનથી આવેલા ત્રણ કારીગરો ગુમ થયા હોવાની વિગતો
ઓફિસમાં મિસ્ત્રી કામ માટે રાજસ્થાનથી આવેલા ત્રણ કારીગરો રાત્રીના સમયે સુતા હતા. તેઓ ગુમ થયા હોવાની વિગતો સાંપડી રહી છે. ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી તેઓ ત્યાં રહેતા હતા અને ઓફિસમાં સુતા હતા. ફાયરની ટીમે આગ બુઝાવવાની સાથે સાથે ગુમ થયેલા ત્રણેયની શોધખોળ આદરી છે. કિશન સુથાર, જગદીશ સુથાર અને પ્રવીણ સુથાર નામના કામદારો ગુમ થઈ જતા વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે.
આજુબાજુના યુનિટો બંધ કરવા પડ્યાં
આગ (Fire in Surat) એટલી વિકરાળ હતી કે આજુબાજુના યુનિટો પણ આગની અસર થઈ હતી અને જેને કારણે અન્ય મિલો પણ બંધ કરી દેવી પડી છે. હજુ પણ આગ ઓલાવવાની કામગીરી ચાલી રહી હોવાનું ફાયર વિભાગ તરફથી જાણવા મળ્યું છે. વહેલી સવારે આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારો તાત્કાલિક બહાર નીકળી આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મિલમાં યાર્ન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ચપેટમાં આવેલા ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટતા દોડધામ મચી ગઇ છે. પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી બોલાવવામાં આવી ફાયરની ટીમ
બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી પરંતુ મિલમાં યાર્ન અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગ બેકાબુ બની ગઈ છે. આગ બુઝાવવા માટે કડોદરા, પલસાણા ઉપરાંત બારડોલી, સુરત, વ્યારા, નવસારી અને ગણદેવીથી પણ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી છે. હાલ આગ બૂઝવવાની કામગીરી ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો: સુરતમાં ખાનગી બસમાં આગ લાગતા મહિલા સહીત ત્રણ લોકો દાઝયા, એકનું મોત
આ પણ વાંચો: Gujarat Weather Report : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે, જાણો આજનું તાપમાન