કેન્દ્ર સરકાર દ્વારા 10 જેટલી રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરી ચાર બેંકોને કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સામે રાષ્ટ્રીયકૃત બેન્કોએ વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે સુરતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જેના કારણે બેંકોમાં ક્લિયરિંગની કામગીરી પણ ઠપ્પ રહી હતી. હડતાળના પગલે આશરે 1 હજાર કરોડનું ક્લિયરિંગ ખોરવાવાની પણ ભીતિ સેવાઇ રહી છે.
હડતાળના પગલે કર્મચારીઓએ આજે સુરતના નાનપુરા સ્થિત યુનિયન બેન્ક બહાર સરકારના નિર્ણય સામે દેખાવો કર્યા હતા. બેન્ક મર્જરના વિરોધમાં ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ પણ કામકાજ થી અળગા રહી હડતાળમાં જોડાયા હતા. જો કે ખાનગી અને સહકારી બેંકો હડતાળથી દુર રહી હતી. રાષ્ટ્રીયકૃત બેંકોના રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળના પગલે ખાતેદારો ને મુશ્કેલી પડી હતી.જેનો બેંક કર્મચારીઓએ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.બેન્ક હડતાળના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 9 હજાર જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા.
ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશન અને બેન્કિંગ એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બેન્ક મર્જરના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી હતી.જ્યાં બેંકોના મર્જર બાદ બેંક કર્મચારીઓની સ્થિતિ કફોડી બનવાની ભીતિ કર્મચારીઓએ કરી હતી.