લોકસભા બેઠકની મહત્વાકાંક્ષાએ ભાજપમાંથી રાજીનામું આપી શિવસેનાના નેજા હેઠળ લોકસભા ચૂંટણી જંગમાં ઉતરેલી અંકિતા પટેલે સંઘપ્રદેશના તમામ વિસ્તારોમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તો અંકિતાના ચૂંટણી પ્રચારને પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારના ચૂંટણી પ્રચારની જેમ ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. યુવાનો, મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો અંકિતાની દરેક સભામાં ઉમટી રહ્યાં છે.
એક નવા દાદરા નગર હવેલીના નિર્માણના સંકલ્પ સાથે પ્રદેશના સર્વાંગી વિકાસની નેમ સાથે આ ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોવાનું અને તેમાં મતદારોનો ભરપૂર સહયોગ મળતો હોવાનું અંકિતા પટેલનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે, મહિલા સામાજિક કાર્યકર અંકિતા પટેલે પહેલી વખત શિવસેના પક્ષ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ વિસ્તારના તમામ વર્ગ અને સમુદાયના લોકોનું જોરદાર સમર્થન મળી રહ્યું છે. ખાનવેલ ખાતે આયોજિત ચૂંટણી પ્રચારમાં જનસભાને સંબોધન કરતા અંકિતા પટેલે આ વિસ્તારમાં આદિવાસી સમાજના વિકાસ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, રસ્તા, વિજળી અને પાણી માટે તેમજ રોજગારી માટે કેટલી ખરાબ પરિસ્થિતિ છે. તેની જાણકારી આપી તેને કઈ રીતે સુધારી શકાય તે અંગે સભાને સંબોધન કર્યુ હતું.
અંકિતાએ 'હર પેટ કો રોટી, હર ખેત કો પાની'ના સંકલ્પને લોકો સુધી પહોંચાડવા આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું હતું.
દાદરા નગર હવેલીના ખાનવેલ, વેલીગામ, અને સુરંગીમાં શિવસેના ઉમેદવાર અંકિતા પટેલે જનસભાનું સંબોધન પણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતા. તો કેટલાય કાર્યકરો અંકિતા પટેલ સાથે શિવસેનામાં જોડાઈ તેમને જંગી મહુમતીથી વિજય બનાવી આદિવાસી સમાજની દરેક સમસ્યાને ખતમ કરવા એકસુર વ્યક્ત કર્યો હતો. આ તબક્કે તેમના સમર્થકોએ અંકિતાને વિજયી બનાવી દિલ્હી મોકલવાનો સંકલ્પ લીધો હતો.