- રાજકોટના સરધાર પ્રાથમિક કેન્દ્રનો સ્ટાફ કોરોનાને હરાવવા તૈયાર
- કર્મચારીઓ રજા લીધા વગર કરી રહ્યા છે કામ
- મેડિકલ ઓફિસરના પતિને કોરોના હોવા છતા બજાવી રહ્યા છે ફરજ
રાજકોટ: જિલ્લાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. વાસંતીબેન સોલંકીના પતિને કોરોના થયો હોવા છતાં તેઓ એક પણ દિવસની રજા લીધા વગર તેમની ફરજો નિયમતિ બજાવે છે. તેમના ઉપરાંત અન્ય 13 કર્મચારીઓ OPD, એન્ટીજન ટેસ્ટ, વેકસીનેશન ઉપરાંત રોજીંદી આરોગ્યલક્ષી કામગીરી સુપેરે સંભાળી રહયા છે.
13 કર્મચારીઓ એક પણ દિવસની રજા નથી લીધી
કોરોનાની વૈશ્વિક મહામારીને નાથવા માટે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સઘન બનાવીને નાગરિકોને કોરોનામુકત કરવાના ભરપુર પ્રયાસો થઇ રહયા છે. રાજકોટ જિલ્લાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 13 કર્મચારીઓ એક પણ દિવસની રજા રાખ્યા વગર સમર્પણભાવે તેમની કામગીરી કરી રહયા છે.સરધાર આરોગ્ય કેન્દ્ર હેઠળ 9 સબ સેન્ટર અને 21 ગામડાંઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : રાજકોટ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે 200બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે
ગામમાં કોરોના એક્ટિવ કેસ માત્ર 79
સરધાર નગરની વસતિ 8200 ની છે, જે પૈકી આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા કોરોના એક્ટિવ કેસ માત્ર 79 જ છે. મતલબ કે એક્ટિવ કેસોનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે. આ કેન્દ્ર ખાતે બુધવારે દિવસે 197 OPD નોંધયેલી છે. કુલ 57 વ્યક્તિઓને કોરોનાની વેકસીન અપાઇ છે અને આજે 156 લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા છે, જે પૈકી 29 વ્યક્તિઓ પોઝિટિવ જણાતાં તેમને કોરોનાની દવાની અને આઇસોલેશન કીટ આપવામાં આવી છે. બુધવારે પોઝિટિવ આવેલા તમામ દર્દીઓ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા હોવાથી એક પણ દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવાની જરૂર નથી પડી.