રાજકોટ: ઝવેરી જેમ હીરાને પરખે તેમ શાળાના મહિલા ડિરેક્ટરે વિદ્યાર્થિનીને પરખી ધોરણ 4થી શિક્ષામાતા બની 12 કોમર્સ સુધી અભ્યાસ કરાવ્યો અને હજુ CA બનવાનું સપનું સાકાર કરાવશે.
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતી ચોરડી ગામની કાજલે ધોરણ 12 કોમર્સમાં 98.98 પીઆર મેળવી શાળા પરિવાર સાથે ગોંડલનું ગૌરવ વધાર્યું છે. આ તકે શાળાના ચેરમેન મધુસુદનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, શાળાના ડિરેક્ટર દર્શના મેડમે આજથી 9 વર્ષ પહેલાં જેમ ઝવેરી હીરાની પરખ કરે તેમ કાજલની ભણવાની ધગશને પારખી લીધી હતી.
કાજલ ધોરણ 4થી તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરી રહી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેના પિતા ધાનસુરભાઈ માસિક રૂપિયા ચાર પાંચ હજારની છૂટક મજૂરી કરી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થિનીની ભણવાની ધગશને ધ્યાને લઇ શાળા પરિવાર દ્વારા છેલ્લા 9 વર્ષથી તેની ફીમાં 50 ટકા રાહત કરી આપી પુસ્તકો રેફરન્સ મટિરિયલ્સ તેમજ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે તેને સફળતાના શિખરો સર કરાવવા શિક્ષામાતા બનેલા ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે.