- રાજકોટમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્ય પહોંચ્યા
- તારાજીના 5થી 6 દિવસ બાદ મુલાકાત લેતા ગ્રામજનો ભભૂક્યા
- ધારાસભ્યને ઘેરીને રજૂઆતોનો મારો કર્યો, વીડિયો થયો વાઇરલ
રાજકોટ: શહેર-જિલ્લામાં 12થી 25 ઈંચ જેટલો વરસાદ આવવાથી જિલ્લાના કેટલાક ગામોમાં ભારે નુક્સાન થયું છે. નુક્સાનીને 5થી 6 દિવસ જેટલો સમય વીત્યો છે. એવામાં રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે ગયા હતા. જે દરમિયાન ગામના સ્થાનિકો દ્વારા તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લાઈટ નથી, પીવાનાં પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વિવિધ રજૂઆત સાથે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાને સ્થાનિકોએ ઘેર્યા હતા અને તેમનો ઉધડો પણ લીધો હતો.
વિસ્તારમાં પીવાના પાણીની પણ નથી વ્યવસ્થા
રાજકોટ જિલ્લાના લોધિકા અને કોટડાસાંગાણી સહિતના ગામમાં 20થી 25 ઈંચ જેટલો વરસાદ આવવાથી લાઈટના થાંભલા પડી ગયા હતા. જ્યારે રોડ-રસ્તાઓ સહિતનું ધોવાણ થયું હતું, ત્યારે કેટલાક કાચા મકાનો પણ પડી ગયા હોવાની વાત સામે આવી હતી. આ સાથે જ ઘણા ગ્રામજનોના ઢોર પણ તણાઈ ગયા હતા. તેવામાં આ ઘટનાને 5થી 6 દિવસ થયા બાદ વિસ્તારની મુલાકાત માટે ભાજપના ધારાસભ્ય ગામમાં આવી પહોંચતાં સ્થાનિકોએ તેમનો ઉધડો લીધો હતો. તેમજ પોતાની સમસ્યા બાબતે સ્થાનિકો MLA સમક્ષ રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે ચોરા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ આવવાથી રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લાના વાગુદડ ગામની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વિસ્તારમાં વહેલાસર કેટલું નુકસાન થયું છે, તેનો સર્વે કરવાની સૂચના આપી હતી. હાલમાં રાજકોટ જિલ્લાના ગામોમાં ભારે વરસાદને લઇને કેટલું નુક્સાન થયું છે. તે અંગેના સર્વેની કામગીરી શરૂ છે. આ સર્વે થયા બાદ જ અસરગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવશે.