રાજ્ય પર 'મહા' વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાના કારણે પાકમાં વૃધ્ધિ જોવા મળી હતી. પરંતુ, 'મહા' વાવાઝોડાના કારણે રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થવાથી મોટાભાગના ખેડૂતનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે.
પાક ધોવાઇ જવાથી ખેડૂતો દ્વારા પાક વીમો તેમજ વળતર સહિતની માગ કરવામાં આવી રહી છે. ઉપરાંત ખેડૂતો બચેલા પાકને વહેંચવા માટે યાર્ડ ખાતે જઇ રહ્યા છે. પરંતુ, સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડમાં પાક રાખવાના શેડની વ્યવસ્થા ન હોવાથી મોટાભાગના યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસમાં જ્યાં સુધી હવામાન વિભાગ દ્વારા વાતાવરણને લઇને જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.