- રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે
- ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
- સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમ ભાદર-1માં પાણીની ભરપૂર આવક
રાજકોટઃ શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા તેમ જ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભાદર- 1 ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સારો વરસાદ પડતા ખેડૂતોના પાકને ઘણો ફાયદો થયો છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં 10 ઈંચ વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા
સૌથી વધુ વરસાદ ધોરાજીમાં પડ્યો
જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આના કારણે લોકોમાં એક પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં જેતપુરમાં 92 મીમી (3.62 ઈંચ), ગોંડલમાં 83 મીમી (3.26 inch), ધોરાજીમાં 177 મીમી (6.96 inch) વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ભાદર-1 ડેમની ઊંડાઈ 34 ફૂટ છે અને સિંચાઈ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, સતત વરસી રહેલા વરસાદને લીધે ડેમની સપાટી 23.70 ફૂટે પહોંચી છે. તેમ જ ડેમમાં પાણીની આવક 22750.00 ક્યુસેક છે.
આ પણ વાંચોઃ ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો
ભારે વરસાદના કારણે રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓમાં છેલ્લા બે દિવસના ભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે આજે તા 13.9.2021ના રોજ શાળાઓમા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવ્યું છે.