- કોવિડ-19 વોર્ડમાં નરેશભાઇ રાઠોડ સાથે મુકતાબેન વ્યાસ અને હિતેષભાઇ જોષી પણ સર્વન્ટ તરીકે કાર્યરત છે
- નરેશભાઇ રાઠોડ ગયા સપ્ટેમ્બર મહિનાથી કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે
- સવારે 8થી રાત્રે 8કલાક સુધીની અવિરત કામગીરી છતાં કોરોના દર્દીઓની સેવા કરે છે
રાજકોટઃ કોવિડ-19 મહામારીમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલમાં કોવિડ-19 વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલા કોવિડ-19 વોર્ડમાં નરેશભાઇ રાઠોડ સાથે મુકતાબેન વ્યાસ અને હિતેષભાઇ જોષી પણ સર્વન્ટ તરીકે કાર્યરત છે.
નરેશભાઇ રાઠોડ દર્દીને પાણી પીવડાવવું, જમવાનું આપવાની કામગીરી કરે છે
નરેશભાઇ રાઠોડ ગયા સપ્ટેમ્બર મહિનાથી કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ વોર્ડને સ્વચ્છ અને સુઘડ રાખવા ઉપરાંત કોઇ દર્દીને જરૂર હોય ત્યારે પાણી પીવડાવવું, જમવાનું આપવાની કામગીરી કરે છે તેમજ આત્મીયતા કેળવી તેઓને માનસિક સાંત્વના આપી જીવન પ્રત્યે હકારાત્મક વલણમાં વધારો કરવા જેવી અનેક પ્રવૃતિઓમાં ઓતપ્રોત રહે છે.
આ પણ વાંચોઃ દમણ મહિલા મોરચાની ટીમ આવી કોવિડ દર્દીઓના વ્હારે
સવારે 8 થી રાત્રે 8 કલાક સુધીની 12 કલાકની અવિરત કામગીરી કરે છે
“વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે...“ ભજનને જીવનમાં ઉતારનાર નરેશભાઇ રાઠોડ જણાવે છે કે, સવારે 8થી રાત્રે 8કલાક સુધીની બાર-બાર કલાકની અવિરત કામગીરી છતાં કોરોના દર્દીઓની સેવા કરવાની મળેલી અનેરી તકથી અનુભવાતા આત્મ સંતોષના ઓડકાર સામે બધો જ થાક ઉતરી જાય છે. કોરોના કાળમાં આવા અનેક સેવાભાવી લોકો કોરોના દર્દીઓની સેવાને માત્ર ફરજ નહીં, પણ સાચા હ્રદયના ભાવથી શૂશ્રૂષા કરી માનવજીવન ઉજાળી રહ્યા છે.