- રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટસ અને કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
- મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બેઠક યોજી આ અંગે ચર્ચા વિચારણા કરી
- શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ કરવા મહાનગરપાલીકા કટીબદ્ધ
રાજકોટઃ મહાનગરપાલિકાના વર્ષ 2020-2021ના મંજૂર થયેલા અંદાજપત્રમાં સમાવિષ્ટ વિવિધ પ્રોજેક્ટ અને કાર્યોની સમીક્ષા કરવા મંગળવારે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બેઠક યોજી આ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
નવ માસથી મનપા કરી રહી છે કોરોના મહામારીનો મુકાબલો
આ બેઠકમાં થયેલી ચર્ચાવિચારણા અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું કે, છેલ્લા નવ માસથી રાજકોટ મહાનગરપાલિકા કોરોના મહામારીનો મુકાબલો કરી રહી છે. આ સમયગાળા દરમિયાન પણ આવશ્યક પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિમાં જાહેર સ્વાસ્થ્ય સંબંધિત ખુબ જ મોટી અને વ્યાપક ક્ષેત્રને આવરી લેતી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીની સાથો સાથ શહેરની વિકાસ પ્રક્રિયા પણ અવિરત જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલીકા કટીબદ્ધ છે અને આ માટે ગંભીરતાપૂર્વક શકય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
![રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટસ અને કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-rmc-budget-av-7202740_15122020143002_1512f_1608022802_784.jpg)
વર્તમાન નાણાંકીય વર્ષ 2020-2021 ટૂંક સમયમાં થશે પૂર્ણ
વર્તમાન નાણાંકીય વર્ષ 2020-2021 હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યુ છે, ત્યારે આવાસ યોજના, વિવિધ બ્રિજ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસનું નવીનીકરણ વગેરે જેવા પ્રોજેક્ટ્સ લક્ષ્યાંક મુજબ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
અન્ય મુદ્દાઓ વિશે પણ મ્યુનિ કમિશ્નરે ચર્ચા કરી
આ ઉપરાંત અન્ય મુદ્દાઓ વિશે વાત કરતા કમિશ્નરે એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ બજેટમાં જમીન વેંચાણ માટે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો તે પૂર્ણ કરવા માટે સંબંધિત શાખાધિકારીને સૂચના આપવામાં આવી છે. સાથો સાથ અલગ-અલગ આવાસ યોજનાઓમાં વેંચાણના હેતુ માટે બનાવવામાં આવેલી દુકાનોની વેંચાણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સંબંધિત અધિકારીને સૂચના આપી છે.