- રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાથી વણસતી પરિસ્થિતિ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવીને 50 વર્ષીય મહિલા સાજા થયા
- સારવાર મેળવ્યા બાદ દર્દીએ હોસ્પિટલના સ્ટાફ અને સુવિધાઓનો આભાર માન્યો
રાજકોટ: કોરોનાના 50 વર્ષીય મહિલા દર્દીનું સારવાર દરમિયાન ઓક્સિજન લેવલ ઘટીને 56 સુધી ગગડી ગયું હતું. તેમ છતા કોરોનાને માત આપીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલા મહિલા દર્દીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધાઓ તેમજ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
સાવચેતી રાખી હોવા છતા કોરોનાની ચપેટમાં આવી ગઈ: તરૂબેન પીઠડિયા
કોરોનાને માત આપનારા 50 વર્ષીય તરૂબેન રમેશભાઇ પીઠડિયાએ જણાવ્યું હતું કે, ‘‘છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા, ગરમ પાણી, ઉકાળા વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં હતા. આમ તો અમાર ઘરના ચાર સભ્યોમાંથી કોઇને પણ એકેય બિમારી જ નથી, તો પણ સાવચેતી રાખી હોવા છતા હું કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. સારવાર દરમિયાન ઓકિસજનનું લેવલ ઘટીને 56 થઇ ગયું હતું. જેથી પરિવારજનોએ તાત્કાલિક મને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાંની શ્રેષ્ઠ સારવારે 2 દિવસમાં જ ઓકિસજન લેવલ ઠીક કરી દીધુ હતું અને પછીના 4 દિવસ મને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાંથી હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પાછી ફરી છું.’’
6 દિવસની સારવારમાં સંપૂર્ણ સ્વસ્થ થયા
ગત 13મી એપ્રિલે તરૂબેનને કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 18મી એપ્રિલના રોજ કેન્સર હોસ્પિટલ સ્થિત કોરોના કેર સેન્ટરમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી. તરૂબેન પોતાના અનુભવો અંગે કહે છે કે, ‘કોરોના મહામારીને કાબૂમાં રાખવા માટે રાજય સરકાર કોરોનાના દર્દીઓ માટે જે સુવિધા સારવાર આપી રહી છે તે ખુબ સારી છે. હોસ્પિટલમાં 6 દિવસ સુધી મને નિદાન-સારવાર, ઓકિસજન બધુ જ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આ 6 દિવસ માટે મારે લાખો રૂપિયાનો ખર્ચો થાત.'
સરકારી દવાખાનાઓ આશિર્વાદ સમા
પરિવાર વિશે વાત કરતાં તરૂબેને કહ્યું હતું કે, મારા પતિ દરજી કામ કરે છે અને દીકરો ઇલેકટ્રીશ્યિન છે. હમણા કામકાજમાં પણ મંદી રહે છે. અમારા જેવા પરિવારો માટે સરકારી દવાખાના આશિર્વાદ સમા છે. સરકારી હોસ્પિટલ હવે આધુનિક બની ગઇ છે. ત્યાં સવાર સાંજ ચા-નાસ્તો, બપોરે અને રાત્રે પૌષ્ટિક ભોજન અપાતું હતું. ડોકટરો પણ નિયમિત તપાસવા આવતાં હતા અને નર્સો દ્વારા દવા, ઇન્જેક્શનો પણ સમયસર અપાતા હતા. સિવિલ હોસ્પિટલમાં મને મળેલી સારવારથી મને સંપૂર્ણ સંતોષ છે.