- કોવિડ હોસ્પિટલમાં આવેલા વોર્ડ નંબર 11માં લાગી આગ
- શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી
- વોર્ડમાં 20થી વધુ દર્દીઓ હતા દાખલ
રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના વોર્ડમાં અચાનક આગ લાગી હતી. કોવિડ હોસ્પિટલમાં આવેલા વોર્ડ નંબર 11માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી.
સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક આગ બુઝાવી
આગને લઈ વોર્ડમાં દાખલ 20થી વધુ દર્દીઓના જીવ થોડા સમય માટે તાળવે ચોંટી ગયા હતા. આ આગ લાગવાનું ધ્યાને આવતા કોવિડ વોર્ડમાં રહેલા સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક આગ બુઝાવી હતી. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની વાત સામે આવતા રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચોઃ ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત
આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં અત્યારે દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. એવામાં કોવિડ સેન્ટરના વોર્ડ નંબર 11માં અચાનક સવારના સમયે આગ લાગવાના કારણે થોડા સમય માટે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ વચ્ચે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી. સિક્યુરિટી ગાર્ડે સમયસૂચકતા વાપરીને હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આ આગ ઉપર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.