રાજકોટઃ કોરોના સંક્રમણના સમયે દર્દીની સારવાર દરમિયાન અનેક પ્રસંગો માનવતાની ચરમસીમા દર્શાવતા જાય છે, ત્યારે રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેથી 56થી 80 વર્ષની વયના સદભાવના વૃદ્ધાશ્રમના કુલ 30 વૃદ્ધ કોરોનાના સંક્રમણમાંથી મુકત થઇને નિર્ભીક અને સ્વસ્થ બનીને પરત ફરી રહ્યા હતા, ત્યારે લાગણીભીન દ્રશ્યો સર્જાયા હતા.
આંખમાં અવિરત અશ્રુધારા વહાવતા વયોવૃદ્ધ માતા અને સતત ધ્રુજતા હાથે વૃદ્ધ પી.પી.ઇ. કીટ પહેરેલા યુવાન અને યુવતીને વળગી રડી રહ્યા હતા, ત્યારે કઠણ કાળજાના માનવીનું હૃદય પણ કંપી ઉઠયું હતું. આ ભાવનાત્મક દ્વશ્યોનું આજે રાજકોટ સ્થિત સમરસ કોવિડ કેર સેન્ટર સાક્ષી બન્યું છે. કોરોનાના કપરા કાળે લોકોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સાથે માનવતાના નવા પાઠ પણ શીખવ્યા છે. હાલ કોરોના સંક્રમણ સમયે દર્દીની સારવાર દરમિયાન અનેક પ્રસંગો માનવતાની ચરમસીમા દર્શાવતા જાય છે, ત્યારે સમરસ હોસ્ટેલ ખાતેથી સદભાવના વૃદ્ધાશ્રમના કુલ 30 વૃદ્ધો કોરોનાથી સ્વસ્થ થઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે લાગણીભીન દ્રશ્યો સર્જાયા હતા.
આંખમાં આસું સાથે ડુમો ભરતા સ્વરે વૃદ્ધ ચંપાબેન પરમારે કહ્યું કે, “આવા કપરા સમયમાં ઘરના લોકો પણ નથી સાચવતા અને અમને સદભાવના વૃદ્ધાશ્રમમાં મુકી ગયા છે, ત્યારે અમને કોરોના થયો હતો, પરંતુ અહીં સમરસ હોસ્ટલમાં અમને અમારા સગા દીકરા કરતા પણ વધુ સારી રીતે સાચવે એવા અટેન્ડન્ટ દિકરા દિકરીઓએ રાત-દિવસ જોયા વગર અમારી સેવા કરી છે. ડૉક્ટરો રાત્રે અગિયાર વાગ્યા સુધી આવીને ચેકિંગ કરી જતા, દવા આપી જતા. અમારી તબિયત જોવા કોઇ પોતીકું કહી શકાય તેવું નથી પણ અહીંના તમામ સ્ટાફે અમને બધાને પોતીકા બનાવી ખુબ જ સારી રીતે સાચવ્યા છે. આજે અમે સ્વસ્થ થયા છીએ જેથી અમને પાછા અમારા આશ્રમમાં મોકલવામાં આવી રહ્યા છે. અમારા બધાના ખુબ જ આશીર્વાદ છે કે, ભગવાન આ દિકરા-દિકરીઓને ભણાવી ગણાવીને સારી નોકરી આપે અને તેઓ પોતાના મા-બાપને સાચવે તેમજ જીવનમાં ખુબ જ આગળ વધે અને તેમની પેઢીના લોકોને કોઈ ’દિ આવો રોગના થાય, તેવા અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે.
ડાયાબિટીસ અને ગેંગ્રીનના કારણે એક જ પગ ધરાવતા અને કોરોના સામે લડીને વિજેતા થનારા 59 વર્ષીય હરીષભાઈ બગડાઇએ કહ્યું કે, અહી 24 કલાક માણસો હાજર જ હોય છે. બહુ સારી રીતે સાચવે છે, રાતે બે વાગ્યે પણ અમારે કઈ પણ કામ હોય તો ત્યારે પણ તે લોકો આવે છે અને અમારી મદદ કરે છે. આ અટેન્ડન્ટ ભાઈઓ, અમારામાંથી બે–ત્રણ લોકોને જરૂર પડ્યે પોતાના હાથે જમાડે અને બેડ સુધી મુકી પણ જતા હતા. આ કળિયુગમાં પોતાના પણ આવી સેવા ન કરે, એવી અમારી સેવા આ એટેન્ડન્ટોએ કરી છે.
સદભાવનાના આ વૃદ્ધ દર્દીઓની સેવા કરીને પોતાના મા-બાપની સેવા કર્યાનો સંતોષ વ્યક્ત કરતા એટેન્ડન્ટ પાથર મિત્તલે જણાવ્યું કે, હું અહીં એટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું. અહી આવેલા આ વડીલોની તમામ જરૂરીયાતને સમજી દીવસ રાત તેઓ સાથે રહીને તે પુરી કરવામાં અમને અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. આટલા દિવસોનો તેમના સંગાથને કારણે તેઓ સાથે આત્મીયતા બંધાઇ ગઇ છે. તેઓ પરત સાજા થઇને તેમના નિવાસસ્થાને જઇ રહ્યા છે. ત્યારે અમને મળીને અંતરના આર્શીવાદ સાથે આનંદ વ્યકત કર્યો છે. તે મારા માટે આજીવન સંભારણું બની રહેશે.
છેલ્લા થોડા દિવસથી કોવિડ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કોકિલા મકવાણાએ જણાવ્યું કે, સદભાવના સંસ્થામાંથી આવેલા વૃદ્ધોની સેવા કરતા મને એવુ જ લાગે છે કે હું મારા દાદા-દાદીની સેવા કરતી હોઉ. આજે તેઓ ડીસ્ચાર્જ થઈને જઈ રહ્યા છે તેની ખુબ જ ખુશી છે પણ તેઓની યાદ પણ બહુ જ આવશે. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે, તેઓને ભવિષ્યમાં ક્યારેય ડોક્ટરોની કે દવાની જરૂરના પડે અને તંદુરસ્ત અને સુખમય જીવન જીવી શકે.
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને નોડલ મેડીકલ ઓફીસર ભાનુ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત મેડીકલ ઓફિસરો, પેરા મેડીકલ સ્ટાફ, એટેન્ડન્ટ, સેનેટરી સ્ટાફના લોકો ઉત્તમોત્તમ કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને આવા વડીલો, અશકતો અને બાળકો સહિત જરૂરીયાતમંદ દર્દીઓની સારવાર થકી મળતા અંતરના આશીર્વાદ અને આત્મસંતોષની લાગણી તેમના ચમકતા ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવે છે.