રાજકોટઃ શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ જેલમાં એકીસાથે 23 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને જેલતંત્રમાં દોડધામ મચી છે. જેલના કેટલાક કેદીઓને કોરોનાના લક્ષણ જોવા મળતા જેલ સુપરિટેન્ડર બી.ડી જોશીએ કેદીઓના રિપોર્ટ કરાવવા માટે તંત્રને સૂચના આપી હતી.
આ અંગે આરોગ્યની એક ખાસ ટીમ જેલમાં પહોંચી હતી અને અલગ અલગ કેદીઓને રિપોર્ટ માટેના સેમ્પલ લીધા હતા. જેમાંથી 23 જેટલા કેદીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકી સાથે 23 કેદીઓને કોરોના પોઝિટિવ આવતા જેલમાં જ આઈસોલેશન વોર્ડ ઉભો કરી આ તમામ કેદીઓની તેમા રાખવામાં આવ્યા છે. જેલમાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જેલમાં કોરોના પોઝિટિવ આવેલ કેદીઓમાં કોઈ કેદીને કોરોનાના ગંભીર લક્ષણ જણાયા નથી, પરંતુ 23 જેટલા કેસ એકસાથે બહાર આવતા અન્ય કેદીઓમાં અને જેલ તંત્રમાં પણ ફફડાટ ફેલાયો છે.