- રાજકોટ મનપા તૌકતેને લઈને એલર્ટ પર
- અધિકારીઓ ફિલ્ડ પર કામગીરની સમિક્ષા કરવા ઉતર્યા
- ઈમર્જન્સી નંબર જાહેર કરવામાં આવ્યા
રાજકોટઃ તૌકતે વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી અને ભારે તોફાની પવનોથી સર્જાતા અકસ્માતોની શક્યતા નિવારી શકાય તે માટે સંખ્યાબદ્ધ આવશ્યક પગલાંઓ લીધા હતાં. અકસ્માત ના થાય તે માટે તંત્ર જે કાંઈ જરૂરી પગલાંઓ લઇ શકે તે તમામ પગલાંઓ લીધા હતાં, અને તેમાં અગાઉથી જ સમગ્ર વહીવટી તંત્રને સંપૂર્ણ "એલર્ટ" કરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ખુદ અને વરિષ્ઠ અધિકારીઓ વાવાઝોડાના અહેવાલો વિશે શહેરીજનોને માહિતગાર કરવાની કામગીરી કરી રહ્યા છે.
મનપા કમિશનર સાથે અધિકારી પણ ફિલ્ડમાં ઉતર્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડા સામે કરેલી કામગીરી વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ત્રણેય ઝોનમાં નાયબ કમિશનરઓ દ્વારા વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર, ટેક્સ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટર ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, ટીપી શાખા, એસ્ટેટ શાખા, આરોગ્ય શાખા, પ્રોજેક્ટ શાખા, ગાર્ડન શાખા, સહિત અન્ય તમામ સંબંધિત શાખાઓ અને તેનો તમામ સ્ટાફ મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવે છે. જેના પગલે જોખમી હોર્ડિંગ અને વ્રુક્ષો, જર્જરિત મકાનો, બાંધકામ સાઈટ વગેરે સાથે સંબંધિત જોખમો નિવારી શકાય.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા સુરત શહેરી વિસ્તારમાંથી 527 સુરક્ષિત સ્થાનાંતરિત
શહેરમાં 1080 લોકોનું સ્થળાંતર કરાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તથા અલગ અલગ સ્થળોએથી 210 કુટુંબના 1080 લોકોને શિફ્ટ કરાવામાં આવ્યું છે. આ શહેરીજનો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક સેવાકીય સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બપોરે 1080 લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળો પરથી ભયજનક જણાંતા 7027 જેટલા અલગ અલગ સાઈઝના બોર્ડ બેનરો ઉતારી લેવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત "રૂડા" (રાજકોટ શહેરી વિકાસ સતામંડળ)ના ચેરમેન ઉદિત અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રૂડા વિસ્તારમાં બાંધકામ સાઈટ પર શ્રમિકોની સલામતી માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
આઈ-વે પ્રોજેક્ટ" હેઠળ સમગ્ર રાજકોટમાં દેખરેખ
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "આઈ-વે પ્રોજેક્ટ"ના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)ની મદદથી સમગ્ર શહેરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જ્યાં ક્યાંય પણ મહાનગરપાલિકાની મદદની આવશ્યકતા ઉભી થશે ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે. કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે તે માટે મ્યુનિ. કમિશનરેએ જ્યુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. 0281-2225707 અને 0281-2228741) અને ફાયર & ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. 0281-2227222) કંટ્રોલ રૂમ કાર્યરત્ત કરાવેલા છે.