જૂનાગઢઃ શ્રાવણ માસ એટલે શિવની ભક્તિનો માસ. આખો મહિનો શિવભક્તો શિવાલયમાં જઇને દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે જૂનાગઢની ગીર તળેટીમાં મુચકુંદ ઋષિ દ્વારા સ્થાપિત મુચકુંદ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
મહાભારત યુદ્ધમાં કાલયવન રાક્ષસ સાથે યુદ્ધ થતા ભગવાન શ્રીકૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા અને રેવતાચલ પર્વતની ગુફામાં સંતાઈ ગયા હતા. જ્યાં મુચકુંદ ઋષિ પણ વિશ્રામ લઈ રહ્યા હતા, ત્યારે ક્રોધિત કાલયવને મુચકુંદ ઋષિને ભગવાન શ્રીકૃષ્ણ સમજી તેના પર પ્રહાર કર્યો હતો. જેથી મુચકુંદ ઋષિ કોપાયમાન થયા અને તેમને મળેલા વરદાન પ્રમાણે મુચકુંદ ઋષિની આંખમાંથી પ્રગટ થયેલા અગ્નિમાં કાલયવન રાક્ષસ ભસ્મીભૂત થયો હતો. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અહીં નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી.
શ્રાવણ માસમાં અહીં શિવભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવીને મુચકુંદ મહાદેવની સાથે નીલકંઠ મહાદેવની પણ પૂજા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મહાભારતમાં જે રેવતાચલ પર્વતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પર્વત ગિરનારની પર્વતમાળાઓમાં આવેલો છે. જે આજે મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવના નામથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.