- આજે ધાર્મિક આસ્થા સાથે ઉજવાઇ રહ્યો છે ગુરુ પુનમનો તહેવાર
- પૂનમના તહેવારે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગુરુદત્તના દર્શન માટે પહોંચ્યા જૂનાગઢ
- પાછલા કેટલાક વર્ષોથી પૂનમના દિવસે મરાઠી પરિવારો ગુરૂદતના કરે છે દર્શન
જૂનાગઢ: આજે 23 જુલાઈના રોજ ગુરુ પૂનમનો ધાર્મિક તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે પ્રત્યેક શિષ્ય તેમના ગુરુનું પૂજન અને દર્શન કરવાનો વિશેષ મહિમા હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યો છે. તે મુજબ આજે શિષ્ય તેમના ગુરુનું પૂજન દર્શન અને ચરણ સ્પર્શ કરીને ધાર્મિક આસ્થા સાથે ગુરુ પુનમનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે આદિ અનાદિ કાળથી ગિરનાર પર્વતની ટોચ પર બિરાજી રહેલા ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મરાઠી પરિવારનો જૂનાગઢમાં આવી રહ્યા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ગુરુદત્ત મહારાજના દર્શન, ચરણ સ્પર્શ અને સેવા પૂજા કરીને ગુરુ પુનમના ધાર્મિક તહેવારની ઉજવણી કરશે.
આ પણ વાંચો: ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે ભવનાથ પરિક્ષેત્રમાં ગુરુદત્તની પાલખીયાત્રા
પાછલા ઘણા વર્ષોથી પૂનમના દિવસે મરાઠી પરિવારો અચૂક આવે છે ગુરુદત્તના દર્શને
પાછલા કેટલાક વર્ષોથી મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે ભવનાથ આવી રહ્યા છે, મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે અને આ જ વિશ્વાસ સાથેની શ્રદ્ધા મરાઠી પરિવારોને ભવનાથ સુધી દર પૂનમના દિવસે ખેંચી લાવે છે. દસ હજાર જેટલા પગથિયા ચઢીને ખૂબ જ કષ્ટદાયક કહી શકાય એવી ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ગુરુદત્ત શિખર પર પહોંચે છે. અહીં તેઓ ગુરૂદત મહારાજની ચરણ પાદુકાના દર્શન અને પૂજન કરીને પોતાની જાતને ધન્ય કરે છે. વર્ષોથી મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજમાં ખૂબ જ આસ્થા અને વિશ્વાસ ધરાવી રહ્યા છે, જેને કારણે મોટાભાગના મરાઠી પરિવારો પૂનમના દિવસે છે ગુરુ દત્ત મહારાજના દર્શન અને આશીર્વાદ લેવા માટે ગિરનાર પર્વતની ગુરુદત્ત શિખર પર અચૂક આવી રહ્યા છે.