- નલ સે જલ યોજના આગામી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી
- પીવાનું પાણી ભૂગર્ભ ગટર સીસી રોડ સહિત વિકાસના કામોને આપવામાં આવી મંજૂરી
- દામોદર કુંડમાં ગ્રેનાઇટ ફ્લોરિંગ માટે પણ અલગ આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ: આજે શનિવારે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં જૂનાગઢ મનપા હસ્તક આવતા કેટલાક વોર્ડમાં સીસી રોડ, પાણીની પાઇપલાઇન અને ગટર તેમજ દામોદર કુંડમાં ગ્રેનાઇટ ફ્લોરીંગ માટે કેટલીક જોગવાઈઓ કરી હતી. વધુમાં બેઠકમાં નલ સે જલ યોજના અંતર્ગત નવા નળ જોડાણ મેળવવા માટેની મુદત 31 માર્ચ કરવાનો પણ સર્વાનુમત્તે નિર્ણય કરાયો હતો.
જૂનાગઢ મનપાની સ્થાઈ સમિતિએ વિકાસના કામો પર મારી મંજૂરીની મહોર
આજે શનિવારે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વોર્ડ નંબર 5, 2 અને 13 સહિત કોર્પોરેશન વિસ્તારમાં વિકાસના કામોને સ્થાયી સમિતિએ સર્વાનુમત્તે મંજૂરીની મહોર મારી છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 90 લાખ કરતાં વધુના કામોને આજે શનિવારની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 5માં પાણીની પાઇપલાઇન અને સીસી રોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 2માં સીસી રોડની સાથે પેવર બ્લોક અને ભૂગર્ભ ગટર જેવી યોજના આગામી દિવસોમાં પૂર્ણ કરવા માટે મનપાની સ્થાયી સમિતિએ નિર્ણય કર્યો હતો.
દામોદરકુંડની સાથે કોર્પોરેશનના અન્ય વિસ્તારમાં પણ હાથ ધરાશે વિકાસના કામો
આજે શનિવારે મળેલી બેઠકમાં ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ગ્રેનાઇટ ફ્લોરિંગ માટે 3 લાખ કરતાં વધુની રકમ ફાળવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. વધુમાં વોર્ડ નંબર 13માં આવેલા ગંદાપાણીના વોકળાની ફરતે રક્ષણ દિવાલ બનાવવા માટે નવ લાખથી વધુની રકમની ફાળવણી કરવામાં આવી હતી. આ બોર્ડમાં કમ્પાઉન્ડ વોલ તેમજ પેવર બ્લોકના કામ માટે 20 લાખ કરતાં વધુની રકમ સ્થાઈ સમિતિએ મંજૂર કરી હતી. આ સાથે જ આગામી 31 માર્ચ સુધી નલ સે જલ યોજનાને પણ લંબાવવામાં આવી હતી. આ સમય દરમિયાન કોઈપણ શહેરીજન પોતાના ગેરકાયદેસર નળ જોડાણને કાયદેસર કરી શકે તેમજ અન્ય નવા કનેક્શન મેળવનાર અરજદારોને 31 માર્ચ સુધીનો સમય આપવાનું પણ સ્થાઈ સમિતિમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.