જૂનાગઢઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે આગામી રવિવાર અને 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ હાલના સમયમાં કોરોના વાઇરસને કારણે જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમ અને ગોરખનાથ આશ્રમ સહિત તળેટીના મોટાભાગના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી રદ કરવામાં આવી છે. પ્રાચીન કાળથી ભવનાથમાં આવેલા આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થતી આવી છે, જે આ વર્ષે નહીં કરવાની જાહેરાત આશ્રમના મહંતોએ કરી છે.
ગત વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે એક લાખ કરતા વધુ ભક્તોએ ગુરુગાદીના દર્શન કરીને ગુરુ પૂજનનું પાવનકારી પર્વ ઉજવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષે યોજવામાં આવેલા ભોજન પ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, પરંતુ આ વર્ષે ભવનાથની ગીરી તળેટીમાં આવેલા મોટા ભાગના આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે નહીં.
આ અંગે આશ્રમના મહંતોએ શિષ્યોને પોતાના ઘરેથી જ ગુરુનું પૂજન કરવા વિનંતી કરી છે.
ગુરુ અને શિષ્યની પરંપરાનું પર્વ એટલે ગુરુ પૂનમનું પર્વ, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કહેર વચ્ચે ભવનાથમાં આવેલા મોટાભાગના આશ્રમોમાં ગુરુ પૂનમના પર્વની ઉજવણી રદ કરવામાં આવી છે. જેથી ગુરુ અને શિષ્ય વિનાનો ગુરુ પૂનમનો આ પર્વ થોડો ફીકો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ, પુનિત આશ્રમ અને ગોરખનાથ આશ્રમ મોટા 3 આશ્રમ આવેલા છે. આ ઉપરાંત 8 અખાડા પણ આવેલા છે. જ્યાં દરવર્ષે ગુરુ પૂર્ણિમાંની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે ગુરુ પૂર્ણિમાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેથી તળેટીમાં આવેલા આશ્રમોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી રદ કરી છે.
દરવર્ષે તળેટીમાં ઉજવાતી ગુરુ પૂર્ણિમાં લાખોની સંખ્યામાં શિષ્યો આવતા હોય છે. આ તમામ શિષ્યોની વ્યવસ્થા માટે પોલીસની મદદ લેવામાં આવતી નથી. આશ્રમમાં આવેલા સ્વયં સેવકો જ તમામ શિષ્યોની સુરક્ષા નિશ્ચિત કરતા હોય છે.
દરવર્ષે લાખોની સંખ્યામાં શિષ્યો આવવા છતાં, હજૂ સુધી આ આશ્રમમોમાં કોઈ અઘટીત ઘટના બની નથી. આ ઉપરાંત આ આશ્રમમો અવાર-નવાર દાનની સરણી વહેતી રહે છે. જેમાંથી આશ્રમમાં આવતા શિષ્યોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન ખેરનાથ બાપુના આશ્રમમાંથી રાશનની કીટો બનાવવામાં આવી હતી. જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી.