- શિવરાત્રીનો મેળો રદ કરવાનો સરકારનો નિર્ણય
- ગીરનાર સાધુ મંડળના સંતોએ નિર્ણયને આપ્યું સમર્થન
- પ્રવાસીઓને ભવનાથ તળેટીમાં ન આવવા પર સાધુ-સંતોએ કરી વિનંતી
જૂનાગઢ: આદિ-અનાદિ કાળથી ભાવનાની ગિરી તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે રાજ્ય સરકારે કોરોના સંક્રમણના સતત વધતા ખતરાની વચ્ચે રદ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયને ગીરનાર સાધુ મંડળના સંતો અને મહંતોએ પણ આવકાર્યો છે. જે રીતે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને પાછલા ત્રણ ચાર દિવસમાં દૈનિક ધોરણે કોરોના સંક્રમણના કેસો ફરી પાછા વધતા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ એકઠું થતું હોય છે, ત્યારે કોરોના સંક્રમણ ફેલાવાની સૌથી વધુ શક્યતાઓ વ્યક્ત થઈ શકે છે. જેને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને સરકારે મેળાના આયોજનને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને ગીરનાર સાધુ મંડળે પણ આવકાર્યો છે.
ધાર્મિક વિધિ અને પરંપરા સાચવવા માટે સાધુ સંતો કરશે પૂજન
મહાશિવરાત્રી મેળાને લઇને ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ ગિરી તળેટીમાં શિવ ભક્તોના રૂપમાં જોવા મળતો હોય છે, ત્યારે આ વર્ષે મેળો રદ કરવાનો નિર્ણય કરાયો છે, પરંતુ વર્ષોથી ચાલતી આવતી ધાર્મિક પરંપરા અને વિધિને આ વર્ષે પણ ગીરનાર સાધુ મંડળના સંતો પરિપૂર્ણ કરશે. લાખોની સંખ્યામાં એકઠા થતાં શિવભક્તોને ઘરે રહીને મહાશિવરાત્રીના મેળા અને પૂજન વિધિ માણવાનું સાધુ મંડળના સંતોએ શિવ ભક્તોને અપીલ કરી છે. ભવનાથ મહાદેવ પર ધ્વજા રોહણ કર્યા બાદ શિવરાત્રીના દિવસે મૃગી કુંડમાં પવિત્ર સ્નાન પણ યોજવામાં આવશે. જેમાં ખૂબ જ જૂજ માત્રામાં નાગા સંન્યાસીઓ અને ગિરનાર ક્ષેત્રના મહંત અને પીઠાધીશ હાજરી આપીને શિવરાત્રિના મેળાને ધાર્મિક વિધિ અને પૂજન સાથે પરિપૂર્ણ બનાવશે.