- રોપ-વે દ્વારા ટુરિઝમને મળશે વેગ
- 24 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
- 62 વર્ષ બાદ પૂર્ણ થયું સ્વપ્ન
જૂનાગઢ: વર્ષ 1958થી શરૂ થયેલો ગિરનાર રોપ-વેનો સંઘર્ષ 62 વર્ષની લાંબી યાત્રા બાદ આખરે સફળ થવા જઇ રહ્યો છે. આગામી 24 ઓક્ટોબરે દિલ્હીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ માધ્યમ થકી તેનું લોકાર્પણ કરશે. આ સાથે જ જુનાગઢવાસીઓની આતુરતાનો અંત આવશે.
ગિરનાર રોપ-વેનો સંઘર્ષ
ગિરનાર રોપ-વેની 62 વર્ષ લાંબી સફર પર એક નજર નાખીએ તો વર્ષ 1958માં નાનજી કાલિદાસ મહેતા દ્વારા તેમના ખર્ચે જ સરકારને ગિરનાર રોપ-વે બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે સરકાર દ્વારા તેને મંજૂર ન કરવામાં આવતા ત્યારથી ગિરનાર રોપ-વે વિલંબના વમળમાં ફસાયેલો હતો.
ગિરનાર રોપ-વેના સરકારી ઉતાર-ચઢાવ
વર્ષ 1990માં જૂનાગઢના ધારાસભ્ય દ્વારા રોપ-વેને લઈને વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરીના ભાગરૂપે ગિરનાર રોપ-વેની માગ કરવામાં આવી હતી. જેના 4 વર્ષ બાદ 1994માં વનવિભાગની 2.91 હેક્ટર જમીન પ્રવાસન નિગમને આપવાનો ઠરાવ થયો હતો. ત્યારબાદ રોપ-વેની સૈદ્ધાંતિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. 1994માં ગિરનારનું કામ ઉષા બ્રેકો કંપનીને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 1995માં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તેને અટકાવવામાં આવ્યું અને ફરીથી એક વખત ગિરનાર રોપ-વે પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા.કાયદાકીય તેમજ રાજકીય આંટીઘૂંટી
ત્યારબાદ ગુજરાતની તત્કાલીન મોદી સરકારે 2 માર્ચ 2002ના રોજ અગાઉના હુકમને રદ કરતા આખરે 25 માર્ચ 2002ના રોજ ગિરનાર રોપ-વેને આખરી મંજૂરી આપી દીધી અને 1 મે 2007ના ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે જુનાગઢ ખાતે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપ-વેનું ખાતમુહૂર્ત થયું હતું. પરંતુ ત્યારબાદ ગીર અભ્યારણનું નિર્માણ થતા ફરી એક વખત રોપ-વેનું કામ ખોરંભે ચડ્યું હતું.
62 વર્ષ બાદ અંતે ગિરનાર રોપ-વેનું સપનું થયું સાકાર
સમગ્ર મામલો ફરી એક વખત કેન્દ્ર સરકારમાં ગયો જ્યાં તત્કાલીન વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ દ્વારા જૂનાગઢની મુલાકાત કરીને રોપ-વે બાબતે ઘટતું કરવાની ખાત્રી આપ્યા બાદ અનેક ઉતાર-ચઢાવ વચ્ચે વર્ષ 2016માં ઉષા બ્રેકો કંપની દ્વારા છેવટે રોપ-વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે આગામી દિવસોમાં જૂનાગઢના મુખ્ય આકર્ષણોમાંનું એક બનવા જઇ રહ્યું છે.