- કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ પૂરા થવાની અનોખી ઉજવણી
- રોપ વેમાં પ્રથમ 100 પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવાસ કરાવવામાં આવ્યો
- રસીના બન્ને ડોઝ મેળવનારા 100 પ્રવાસીઓને તક આપવામાં આવી
જૂનાગઢ: દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત તાજેતરમાં 100 કરોડ ડોઝ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. આ અભિયાનને ખૂબ સારો એવો પ્રતિસાદ મળતા દેશભરમાં તેની વિવિધ રીતે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા એશિયાના સૌથી મોટા રોપ વે ઉડન ખટોલાના સંચાલકો દ્વારા 100 કરોડ ડોઝની ઉજવણીના ભાગરૂપે આજે રવિવારે રોપ વેમાં પ્રવાસ કરવા આવનારા પ્રથમ 100 પ્રવાસીઓને વિનામૂલ્ચે ટિકિટ આપવામાં આવી હતી.
પ્રથમ કલાકમાં જ ટિકિટ હાઉસફૂલ
કોરોના રસીકરણ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ઉડન ખટોલાના સંચાલકો દ્વારા પ્રથમ આવનારા એવા 100 લોકોને વિનામૂલ્યે ટિકિટ આપવામાં આવી હતી. જેમને રસીના બન્ને ડોઝ મેળવ્યા હોય. સંચાલકો દ્વારા વેક્સિનેશન સર્ટિફિકેટની ચકાસણી કર્યા બાદ પ્રથમ 100 પ્રવાસીઓને ટિકિટ આપવામાં આવી હતી. આ જાહેરાતના પગલે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જેના કારણે પ્રથમ કલાકમાં જ તમામ ટિકિટો આપી દેવામાં આવી હતી.
જાણો શું કહ્યું રોપ વેના સાઈટ મેનેજરે...
ગિરનાર રોપ વે સાઈટના મેનેજર જી. એમ. પટેલના જણાવ્યા અનુસાર, કંપની દ્વારા કરાયેલી જાહેરાતને પગલે પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના કારણે પ્રથમ એક કલાકમાં જ તમામ ફ્રી ટિકિટ્સ વહેંચાઈ ગઈ હતી. પ્રવાસીઓના ઉત્સાહને જોઈને અમે પણ સારી સેવાઓ આપવા માટે પ્રોત્સાહિત થયા છે અને આગામી સમયમાં તે પ્રમાણે કામ કરીશું. આ ઉપરાંત રસીકરણ અભિયાનને વધુ આગળ ધપાવવા તમામ બનતા પ્રયાસો કરીશું.