જૂનાગઢ: સાત મહિના બાદ ગીર સફારી પાર્ક મુલાકાતીઓ માટે ફરી એકવાર ખુલવા જઈ રહ્યું છે ત્યારે બદલાયેલા વાતાવરણ અને વિપરીત પરિસ્થિતિમાં અહીં આવતા દરેક પ્રવાસીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના અંગેની તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ત્યારબાદ જ તેમને જંગલ સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે.
કોરોના કાળને ધ્યાનમાં રાખીને જંગલ સફારીમાં ટિકિટથી લઈને પ્રવેશ માટેના પાસ સહિતની મોટાભાગની વ્યવસ્થાઓ ડિજિટલ કરવામાં આવી છે.
સાથે જ જંગલ સફારીની તમામ જીપ્સીઓમાં 50 ટકાની ક્ષમતા સાથે પ્રવાસીઓને ગીર જંગલ સફારી પાર્કમાં જવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાસણ સફારી પાર્કના તમામ નાકાઓને બારકોડથી સુરક્ષિત બનાવવામાં આવ્યા છે. જેથી કોઈ પણ કર્મચારી કે પાર્કમાં આવતા પ્રવાસીઓ સીધા એક-બીજાના સંપર્કમાં આવી ન શકે.
પાર્કની મુલાકાત દરમિયાન દરેક પ્રવાસીઓએ માસ્ક પહેરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ પાર્કની મુલાકાત બાદ તમામ જીપ્સીઓને સેનેટાઈઝ કર્યા બાદ જ તેને ફરીથી જંગલમાં મોકલવાનો નિર્ણય સાસણ વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.