માંગરોળ ગોરેજ ગામે તેમજ આસપાસના વિસ્તારોમાં ધાણાનો પાક નિષ્ફળ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. ખેતરોમાં ધાણાનાં અંકુર હજુ ફુટ્યા જ હતા, તે ગાળામાં જ વરસાદ પડવાથી ધાણા બળી ગયા છે. ખેડૂતોના કહ્યાં મુજબ સરકાર પાક નિષ્ફળ થાય તો ફોર્મ ભરાવી સહાય આપે છે, પરંતુ આ એક ફોર્મ પાછળ ખેડૂતોનાં 100થી 150 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. ખેડુતોને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવુ પડે છે, જેથી સમય અને શ્રમનો પણ વ્યય થાય છે. સરકારી કર્મચારીઓ દ્વારા સ્થળ પર આવી સર્વે કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે.
બીજી તરફ ચણાનો પાક પણ નિષ્ફળ જાય તેવી શંકા સેવાઇ રહી છે. ખેડૂતોને ચણા વાવેતર કર્યાને હજુ થોડો સમય જ થયો છે. ત્યારે આ કમોસમી વરસાદ થતાં ચણાના છોડમાંથી ખારાશ જતી રહી છે, જેથી ચણાના પાક સદંતર નિષ્ફળ થાય તેવી પુરી શક્યતા છે.
સરકાર એક બાજુ ખેડૂતોને સહાય કરવાની વાતો કરે છે. જ્યારે ખેડૂતો ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવાનું કહે છે. પરંતુ સરકાર ખેડૂતોને ફોર્મ ભરવામાથી જંજટમાંથી કયારે મુક્તિ આપશે એ તો જોવું રહ્યું. ખેડૂતોની વેદના કોણ સાંભળશે એ એક સળગતો પ્રશ્ન છે.