જૂનાગઢ: આજે સોમનાથ ટ્રસ્ટને નવા સેક્રેટરી (Somnath Trust Secretory) મળી રહ્યા છે, મુખ્યપ્રધાન કાર્યાલયમાં સીએમઓ ઓફિસમાં કામ કરતા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી યોગેન્દ્ર દેસાઈની સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. યોગેન્દ્ર દેસાઈ આગામી સમયમાં સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળીને વિધિવત રીતે સોમનાથ ટ્રસ્ટમાં જોડાશે.
વડાપ્રધાન મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક: વડાપ્રધાન મોદીના તાજેતરના ગુજરાત પ્રવાસ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની એક બેઠક યોજાઇ હતી. જેમાં આ નિર્ણય થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યોગેન્દ્ર દેસાઈ વિધિવત રીતે ટ્રસ્ટના સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળીને સોમનાથ મંદિર ટ્રસ્ટમાં કામ કરતા જોવા મળશે.
હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર
પ્રવીણ લહેરી વધારાના ચાર્જમાંથી મુક્ત: સોમનાથ ટ્રસ્ટના નવા સેક્રેટરી તરીકે આજે યોગેન્દ્ર દેસાઈની વિધિવત નિમણૂકને બહાલી આપવામાં આવી છે, ત્યારે પાછલા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકેની સેવાઓ આપતા પ્રવીણ લહેરી હવે સેક્રેટરીના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે. યોગેન્દ્ર દેસાઈની નિમણૂક થવાથી સોમનાથ ટ્રસ્ટના વિકાસના કામોની જવાબદારી મોટે ભાગે હવે તેમના કાર્યકાળમાં આગળ વધતી જોવા મળશે. સોમનાથ ટ્રસ્ટના તમામ વિકાસના કામોની સીધી દેખરેખ તેમના વડપણ હેઠળ થશે જેની તમામ જાણકારી સી.એમ.ઓ અને પીએમ ઓફિસને સતત મળતી રહેશે.