- શ્રાવણી અમાસના દિવસે પિતૃ તર્પણ અને સ્નાન વિધિ માટે વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ
- કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રનો સુચારુ અને સુયોગ્ય નિર્ણય
- પ્રતિબંધ છતાં મોટી સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીએ આવ્યા
જૂનાગઢ: આજે પવિત્ર શ્રાવણી અમાસ અને સોમવારની સાથે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હતો. આજના દિવસે પવિત્ર નદી, ઘાટો અને સરોવરમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આજના દિવસે જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે સ્નાન અને તર્પણની સાથે પૂજા કરવા માટે આવતા તમામ ભાવિકોને 24 કલાક માટે ભવનાથ વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની પ્રવેશબંધી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાગુ કરવામાં આવી હતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ભવનાથ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
શ્રાવણી અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન અને તર્પણનું છે વિશેષ ધાર્મિક મહત્વ
આદી અનાદિ કાળથી શ્રાવણી અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, ત્યારે પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણને ધ્યાને રાખીને દામોદર કુંડમાં અમાસના દિવસે સ્નાનવિધિ અને પિતૃતર્પણ કાર્ય કરવા પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક ભાવિકો આજે દામોદર કુંડ નજીક એકઠા થયેલા જોવા મળ્યા હતા. જેમને પોલીસના કર્મચારીઓ દ્વારા સમજાવીને પરત મોકલી દેવામાં આવ્યા હતા.