- ગીર પૂર્વના આદસંગ રેવન્યુ વિસ્તારમાંથી સિંહના હાડપિંજર પરથી 7 નખ થયા ગુમ
- વન વિભાગે Lion's nails ચોરી થયાની ફરિયાદ નોંધીને હાથ ધરી તપાસ
- અગાઉ પણ પચપચીયા વિસ્તારમાંથી એક શખ્સની સિંહના નખ સાથે થઇ હતી ધરપકડ.
જૂનાગઢઃ ગીર પૂર્વના આદસંગ રેવન્યુ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ સિંહનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. સિંહોના 7 નખ ( Lion's nails ) હાડપિંજર પરથી ગુમ જોવા મળતા વન વિભાગ પણ ચોંકી ઉઠયું હતું અને ગુમ થયેલા સિંહના 7 નખને શોધવા માટે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને નખની ચોરી અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોડા દિવસ પૂર્વે રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહનું હાડપિંજર મળી આવ્યું હતું જેનો કબજો પણ વિભાગે લીધો હતો. ત્યારબાદ તેના સાત જેટલા નખ ગુમ હોવાની જાણ વન વિભાગને થતા સાવરકુંડલા રેન્જમાં ગુમ થયેલા નખ અંગે વિધિવત્ ફરીયાદ દાખલ કરીને અજાણ્યા શખ્સો સામે નખ ચોરીનો ગુનો નોંધી વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વાત પાછલા ત્રણ મહિનાની કરીએ તો ગીર પૂર્વ અને પશ્ચિમમાં 21 જેટલા સિંહ દીપડા અને તેના બચ્ચાના મોત થયા છે જે પૈકી રાજુલા બાદ આદસંગ વિસ્તારમાં સિંહના મોતને લઈને હવે અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યાં છે.
આજથી એક વર્ષ પૂર્વે ગીર પૂર્વના પચપચીયા ગામમાંથી 14 જેટલા સિંહોના નખ ( Lion's nails ) સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં વન વિભાગને સફળતા મળી હતી. તપાસમાં 14 જેટલાં નખો સિંહના વાસ્તવિક હોવાની સનસનીખેજ વિગતો પણ બહાર આવી હતી. ત્યારબાદ ફરી એક વખત ખાંભા વિસ્તારમાં મોતને ભેટેલા સિંહના હાડપિંજર પરથી સાત જેટલા નખ ગુમ જોવા મળી રહ્યા છે જેને લઇને અનેક તર્ક-વિતર્ક અને શંકાઓ ઉદ્ભવી રહી છે. ત્યારે ગીર પૂર્વ વન વિભાગે પણ ગુમ થયેલા સિંહના નખને સોધવા માટે ધમધામટ શરૂ કર્યો છે. સમગ્ર મામલાને લઈને મુખ્ય વન સંરક્ષક પ્રાણી વર્તુળ ડો. વસાવડાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સિહના ગુમ થયેલા નખને લઈને વન વિભાગની ટીમ કામ કરી રહી છે અને આગામી દિવસોમાં સિંહના ગુમ થયેલા નખને પકડી પાડવા માટે વનવિભાગને સફળતા પણ મળી શકે છે.
પાછલા ત્રણ માસમાં 21 જેટલા સિહ, દીપડા અને તેના બચ્ચાના મોત પણ થયા છે
પાછલા ત્રણ મહિના દરમિયાન ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહ અને દીપડાના મોતની વાત કરીએ તો આ બંને રેન્જમાં ત્રણ મહિના દરમિયાન 9 જેટલા સિંહ 12 જેટલા દીપડા મળીને કુલ 21 જેટલા સિંહ અને દીપડાના મોત થયા છે. જે પૈકી 4 સિહ 3 સિહણ અને 2 બચ્ચા તેમજ 6 દીપડા ત્રણ દીપડી અને ત્રણ દીપડાના બચ્ચાના મોત થયાનું વન વિભાગને ચોપડે નોંધાયું છે. ત્યારે થોડા દિવસ અગાઉ રાજુલા ખાતે થયેલું સિહનું મોત પણ શંકાસ્પદ માનવામાં આવે છે. ત્યારે આદસંગ નજીકથી સિંહના મૃતદેહ પરથી નખ ( Lion's nails ) ગુમ થતા વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
થોડા મહિના અગાઉ પ્રાચી નજીકથી પણ શિકાર કરવાના આરોપસર કેટલાક શિકારીઓ ઝડપાયા હતા
થોડા મહિના અગાઉ સિંહનો શિકાર ( Lion hunter ) કરવાની ફિરાકમાં ફરતાં 25 કરતા વધુ સ્થાનિક દેવીપૂજક ગેંગના સભ્યો રંગેહાથ ઝડપાયા હતાં. સિહ બાળ જમીનમાં છુપાયેલા ફાંસલામાં ફસાઇ જતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. સિંહનો શિકાર કરવાની લાલચમાં મહિલા પુરુષ મળીને જૂનાગઢ અને ગીર સોમનાથની સ્થાનિક દેવીપૂજક શિકારી ( Lion hunter ) ગેંગના 25 કરતા વધુ લોકોને પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારબાદ સિંહના મૃતદેહ પરથી સાત જેટલા નખ ( Lion's nails ) ગુમ થવાને લઈને વન વિભાગ પણ તપાસનો ધમધમાટ ચલાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં સિંહને ફાંસલામાં ફસાવતી ગેંગના 10 આરોપીને વન વિભાગે પકડી પાડ્યા
આ પણ વાંચોઃ જૂનાગઢ આસપાસ સિંહોના શંકાસ્પદ શિકાર મામલે વન વિભાગે કરી 5ની અટકાયત