- ETV BHARATની ટીમે વોર્ડ નંબર 8ના રહિશો સાથે કરી ચર્ચા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત લોકો સાથે ખાસ ચર્ચા
- નવા સીમાંકન બાદ દ્વારકેશ સોસાયટીનો જામનગર મનપામાં થયો સમાવેશ
જામનગર : JMC સહિત રાજ્યમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં યોજવાની છે. જામનગરમાં માધવબાગ-1ની પાછળ આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહિશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન
દ્વારકેશ સોસાયટીમાં ગટરની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે. જે કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે.
નવા સીમાંકન બાદ દ્વારકેશ સોસાયટીનો જામનગર મનપામાં થયો સમાવેશ
જામનગરમાં નવા સીમાંકન બાદ ઠાકોર દ્વારકેશ સોસાયટીનો વોર્ડ નંબર-8માં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, દ્વારકેશ સોસાયટીમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકોને મળતી ન હોવાનો આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકો ચૂંટણી બહિષ્કાર કરવાની ઉચ્ચારી રહ્યા છે ચીમકી
દ્વારકેશ સોસાયટીમાં રોડ રસ્તા અને પીવાના પાણીની સુવિધાનો અભાવ ન હોવાનો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. દ્વારકેશ સોસાયટીમા અંદાજે 15 હજારની વસ્તી છે. જોકે, લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.