- જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનવાને આરે
- સરકારી કોવિડ હોસ્પિટલના 1237 બેડ હાઉસફૂલ
- દર્દીના સંબંધીઓ હોસ્પિટલના પરિસરમાં થાય છે એકઠા
જામનગર: સરકારી કોવિડ હોસ્પિટલમાં 1237 બેડની વ્યવસ્થા છે. જોકે, હવે કોવિડ હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઈ જતા જામનગરના વહીવટીતંત્ર દ્વારા અન્ય 7 ખાનગી કોવિડ હોસ્પિટલ ખોલવામાં આવી છે. જેમાં અંદાજે 350 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. જોકે, જામનગરની કોવિડ હોસ્પિટલમાં અન્ય જિલ્લાના દર્દીઓ પણ મોટી સંખ્યામાં દાખલ થઈ રહ્યા છે. જેમની સાથે તેમના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેના કારણે કોવિડ હોસ્પિટલની બહાર દર્દીઓના સગા સંબંધીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ થાકી, સતત મૃતદેહ આવતા બારડોલીમાં બે ભઠ્ઠી તૂટી ગઈ
જામનગરમાં રોજ સરેરાશ 200 પોઝિટિવ કેસ
જામનગર શહેર સહિત જિલ્લાના મોટાભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં રોજ 200 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. જે પૈકી મોટા ભાગના દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલની બાજુમાં જ પોસ્ટમોર્ટમ રૂમ હોવાથી કોરોનાના મૃતકોના મૃતદેહો પણ બાજુમાંથી જ લઇ જવામાં આવે છે. જેના કારણે કોવિડ હોસ્પિટલની આસપાસ લોકોની સાથે સાથે એમ્બ્યુલન્સ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.
આ પણ વાંચો: જામનગર આદર્શ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહોની લાંબી કતારો
શું કહેવું છે નોડલ ઓફિસરનું?
કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર એસ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, હાલમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. તેની સાથે 4થી 5 સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે આવે છે. જેના કારણે હોસ્પિટલની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક બાજુ અન્ય જિલ્લાઓમાંથી સતત આવતી એમ્બ્યુલન્સોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.