- મિની લોકડાઉનને લઈને જામનગર વેપારી મહામંડળે કરી રજૂઆત
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને યોગ્ય પગલાઓ લેવાની માગ
- અધકચરા લોકડાઉનથી રાજ્યમાં કોરોના પરિસ્થિતિ પર કોઈ અસર ન હોવાનો દાવો
જામનગર: વેપારી મહામંડળ દ્વારા મુખ્યપ્રધાનને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અધકચરા લોકડાઉનથી રાજ્યમાં કોરોના પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે. લોકડાઉનને કારણે ધંધા-રોજગારો બંધ થતા નાના દુકાનધારકો અને વેપારીઓની હાલત કફોડી બની છે. આર્થિક સંકળામણના કારણે વેપારીઓમાં હવે ભેદભાવ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
મોટા એકમોને કોઈ અસર નહીં, માત્ર નાના ધંધાઓ જ બંધ
કોરોનાની બીજી લહેરમાં લેવામાં આવેલો અધકચરા લોકડાઉનનો નિર્ણય તથ્ય વગરનો હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે સરકારે કોઈ વિચાર વિમર્શ ન કર્યો હોય તેમ લાગે છે. જ્યાં સરળતાથી સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થઈ શકતું હોય, એવાં તમામ એકમો ચાલું રાખવામાં આવ્યા છે. જ્યારે નાના વેપારીઓને જ નુક્સાન ભોગવવું પડી રહ્યું છે. આવા સમયે સરકાર વેપારીઓ અને તેમના પરિવારનું હિત જળવાય તે પ્રકારે નિર્ણય લે તે જરૂરી બન્યું છે.