- જામનગરના વોર્ડ નં. 9ના OBC મહિલા બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ અમાન્ય
- ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારીઓ દ્વારા કરાઈ
- વોર્ડ નં.9માં કોંગ્રેસના ઉમેદવાર 2 બેઠક પર લડી શકશે
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 64 બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ અને અપક્ષ મળી કુલ 343 ઉમેદવારોએ 427 ફોર્મ ભર્યા હતાં. મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારીઓ દ્વારા કરાવામાં આવી હતી. ચકાસણી દરમિયાન કુલ 427માંથી 176 ફોર્મ અમાન્ય રહ્યા હતાં તો 251 ફોર્મ માન્ય રહ્યા છે. વોર્ડ નં.9 માં કોંગ્રેસના ઉમેદવાર દેવેન શાહના ફોર્મમાં અન્યના નામનું મેન્ડેટ હોવાથી રદ કરાયું છે. આ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફોર્મ ભરવાનો સમય ચૂકી જતાં સ્વીકારાયું ન હતું તેથી આ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે. જે ફોર્મ રદ થયા તેમાં એક જ ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોય તે કારણ મુખ્ય છે. મહાનગરપાલિકાના ચૂંટણીના જંગમાં મંગળવારે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ હતો.
વોર્ડ નં.9 માં એક બેઠક બિનહરીફ થવાની શકયતા
શહેરના વોર્ડ નં.9 માં OBC મહિલા બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ સમયસર ન ભરાતા સ્વીકારાયું આવ્યું નથી. બીજી બાજુ આ બેઠક પર અન્ય પાર્ટીના મહિલા ઉમેદવારે ટેકેદારી પરત ખેંચી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી વોર્ડ નં.9 માં OBC મહિલા બેઠક ભાજપ માટે બીનહરીફ થશે તેવા સમીકરણો ઉભા થયા છે. મહાપાલિકાના 16 વોર્ડની 64 બેઠકની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમ્યાન ભાજપના 127, કોંગ્રેસના 77, બહુજન સમાજ પાર્ટીના 24, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના 13, આમ આદમી પાર્ટીના 65 અને 35 અપક્ષ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે.