જામનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં રહેલા રાજ્ય પ્રધાન મંડળના પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગરમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગરના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી.
આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન કોરોના વાઇરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત ૯મી કેબિનેટની બેઠક બુધવારે યોજાઇ હતી.
આ બેઠકમાં જામનગરમાંથી કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટમાં જોડાઈ જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી, સાથે જ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ આવનારા ખરીફ સીઝન માટે ખેડૂતોને ગુણવતાયુક્ત બિયારણ મળી રહે તે માટે બિયારણ વેચાણનો પ્રારંભ થઇ ચૂક્યો છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, રાજ્યમાં 1500 કેન્દ્ર પરથી જિલ્લા ખરીદ-વેચાણ સંઘ / મંડળીઓ દ્વારા બિયારણ વેચાણ ચાલુ છે. હાલ સુધીમાં 93,380 ક્વીન્ટલ મગફળીનું બિયારણ ઉપલબ્ધ છે, તેમાંથી 50,600 ક્વીન્ટલનું વિતરણ કરવામાં આવેલુ છે. જેમાં 40,000 કવીન્ટલનો જથ્થો ગુજકોમાસોલ દ્વારા વેચાણ કરવામાં આવેલુ છે. આ ઉપરાંત આગામી ખરીફ પાકની સીઝન માટે દાહોદ, ગોધરા વગેરે જિલ્લામાંથી સૌરાષ્ટ્રમાં ખેતી અર્થે આવવા માંગતા મજૂરો માટે પરિવહનની વ્યવસ્થા કરવા માટે મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનો સાથે ચર્ચા કરી હતી, તેમજ ખેડૂતોને ટૂંકી મૂદ્દતના ધિરાણના ભરણા માટેની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી હતી.