જામનગર: જામનગરમાં એક 17 વર્ષીય સગીરા પર 4 નરાધમોએ દુષ્કર્મ આર્ચયું હતું. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ દુષ્કર્મની ઘટનાને લઈ અનેક લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં એસ.પી. કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા કોંગ્રેસના સભ્યોએ સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને ચપ્પલથી માર માર્યો છે.
કોંગ્રેસની મહિલા કાર્યકરોએ મહિલા પોલિસ સ્ટેશનમાં લઈ જતી વખતે આરોપી પર ટપલીદાવ કર્યો હતો. કોર્પોરેટર અને વકીલ જેનબ ખફીએ આરોપીનો પીછો કરી તેને ચપ્પલ માર્યું હતું. જો કે, મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓએ મહિલા કોંગ્રેસના કાર્યકરોને અટકાવ્યા હતા. થોડીવાર મહિલા પોલીસ સ્ટેશનમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પોલીસે આ દુષ્કર્મની ઘટનાને લઈ રવિવારે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જો કે, મયૂર આંબલિયા નામનો ચોથો આરોપી ફરાર હતો. આ નરાધમ મયુર આબલિયાને ખજૂરીયા ગામેથી પોલિસે ઝડપી પાડ્યો છે અને તેને મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પોલીસની ગાડીમાંથી નીચે આવ્યો તે વખતે મહિલા કોંગ્રેસના કાર્યકરો આરોપીને મારવા માટે દોડી ગયા હતા અને આરોપી પર કોર્પોરેટર જેનબ ખફીએ ચપ્પલ ફેંક્યું હતું. જો કે, પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે.
જાણો શું છે સમગ્ર ઘટના - જામનગરમાં બંધ મકાનમાં પૂરી સગીરા પર સામુહિક દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ, એક ફરાર
4 ઓક્ટોબર - સમગ્ર દેશમાં હાલ હાથરસ સામુહિક દુષ્કર્મ બાબતે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે જામનગરમાં 4 લોકોએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જામનગર શહેરના એક બંધ મકાનમાં 4 લોકોએ સગીરા પર બંધ મકાનમાં દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી ફરાર થઇ જતા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.