જામનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દુષ્કર્મના 4 બનાવ સામે આવ્યા હતા. જેમાંથી જામનગર દુષ્કર્મ કેસના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. સોમવારે મહિલા આયોગની પાંચ સભ્યોની ટીમ જામનગર આવી હતી. તેમણે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
દેશભરમાં હાલ હાથરસમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાને પગલેે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ આવી જ કંપાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સાથે જ મહિલા આયોગની ટીમે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સોમવારે મહિલા આયોગની ટીમ પીડિતાના પરિવારજનો સાથે વાતચીત કરવા પહોંચી હતી. વાતચીત કરતાં જણાવ્યું કે પીડિતાને કોઈ માનસિક હેરાનગતિ ન થાય તેમજ તેમણે જે ફરિયાદ નોંધાવી છે તે યોગ્ય છે કે નહિ વગેરે બાબતે પૂછપરછ કરી હતી.
મહિલા આયોગે જામનગર જિલ્લા પોલીસવડા પાસેથી દુષ્કર્મ કેસનો રિપોર્ટ પણ માગ્યો હતો. પીડિતાના પરિવારજનો તેમજ પીડિતા ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી તે મોટી વાત છે. અનેક યુવતીઓ બદનામ થવાના ડરથી ફરિયાદ નોંધાવતા નથી. જેના કારણે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે.
મહિલા આયોગના સભ્યો દ્વારા પીડિતાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તમામ બાબતોની યોગ્ય તપાસ કરી પૂર્ણ રિપોર્ટ તૈયાર કરી મહિલા આયોગને સોંપવામાં આવશે તેની ખાતરી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાર આરોપીઓએ સગીરાને બંધ મકાનમાં પુરી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બનતા સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જો કે મહિલા આયોગની ટીમે પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.