જામનગરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે પ્રામાણિકતાની દુકાન ખોલવામાં આવી છે. DKV સર્કલ પર પ્રમાણિકતાની દુકાન ખોલતાની સાથે મોટી સંખ્યામાં લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરવા માટે આવ્યા હતા.
પ્રામાણિકતાની દુકાનમાં 20% ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. ગ્રાહકો શુલ્ક પેટીમાં ખરીદી કરેલ વસ્તુના રૂપિયા ઈનામદારીથી જમા કરાવી પ્રામાણિકતા દર્શાવતા જોવા મળ્યા હતા. પ્રામાણિકતાની દુકાનમાં ઘર વપરાશની વસ્તુ અને કપડાં સહિતની સામગ્રી ગ્રાહકોને આપવામાં આવી રહીં છે. ઉપરાંત RTOના નવા નિયમોને ધ્યાનમાં રાખીને હેલ્મેન્ટનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આમ તો આપણે જે તે દુકાનમાં ખરીદી કરતા હોયએ ત્યાં રૂપિયા દુકાનના માલિકને આપવાના હોય છે. પરંતુ અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું છે. પ્રામાણિકતાની દુકાનમાં કોઈ માલિક જોવા મળતા નથી અને છતાં લોકો ઈમાનદારી પૂર્વક ખરીદી કરી રહ્યા છે.
પ્રામાણિકતાની દુકાન ખોલવા પાછળ આયોજકોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રહેલી પ્રમાણિકતા બહાર લાવવાનો હતો. ગણતરીની કલાકમાં જ પ્રમાણિકતાની દુકાનમાંથી મોટાભાગની સામગ્રીની ખરીદી થઈ ગઈ હતી અને તાત્કાલિક આયોજકોને બીજી સામગ્રી મંગાવવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્ય, પ્રેમ અને કરુણાના સિદ્ધાંતથી અનેકવિધ કાર્યો કર્યા છે અને ખાસ કરીને લોકોમાં રહેલી ઈમાનદારી ફરીથી જાગૃત થાય તે માટે તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા.