- જામનગરમાં માં અમૃતમ કાર્ડના પાંચ સેન્ટર બંધ હાલતમાં
- દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
- માં અમૃતમ કાર્ડના કાર્ડ જ જામનગરમાં મળતા નથી
જામનગર : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી જશે અને સરકારની માં અમૃતમ યોજના કાર્ડ (Maa Amrutam card) પર વિનામૂલ્યે સારવાર થઈ શકે તે માટે જામનગર શહેરમાં કુલ પાંચ જગ્યાએ માં અમૃતમ કાર્ડ (Maa Amrutam card) કાઢી આપવાના સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. જો કે આ સેન્ટર્સ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાને કારણે દર્દીઓના સગા વ્હાલા મહાનગરપાલિકા અને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ (Guru Govindsingh Hospital) વચ્ચે ધક્કા ખાઇ રહ્યાં છે.
આ પણ વાંચો : માં અમૃતમ કાર્ડ બનાવનાર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતાં દર્દીઓને થતી હેરાનગતી
માં અમૃતમ કાર્ડ શહેરમાં પાંચ જગ્યાએ નીકાળવામાં આવતા હતા
ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નાના-મોટા ઓપરેશન કરાવવા માટે માં અમૃતમ કાર્ડ (Maa Amrutam card) ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ (Guru Govindsingh Hospital) સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. તો કેટલાક દર્દીઓ કોઈ ગંભીર બીમારી અથવા તો ઓપરેશન અર્થે અહીં આવતા હોય છે, ત્યારે માં અમૃતમ કાર્ડ (Maa Amrutam card)ના માધ્યમથી ગરીબ દર્દીઓને સસ્તામાં સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે આ વ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાને કારણે ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : કોરોનાની સારવાર માટે માં અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડમાંથી 50,000 ખર્ચની જાહેરાત સામે વિરોધ
વિરોધ પક્ષના નેતાએ કમિશ્નરને લખ્યો પત્ર
જામનગર મનપાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ કમિશ્નરને પત્ર લખી શહેરના તમામ પાંચ સેન્ટર્સ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે સાથે વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે, એક બાજુ રાજ્ય સરકાર ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે માં અમૃતમ કાર્ડ (Maa Amrutam card) યોજના જાહેરાત કરે છે અને બીજી બાજુ આ કાર્ડ જ ક્યાંય મળતા નથી. તો ગરીબ દર્દીઓ જાય ક્યાં ? વહેલામાં વહેલી તકે માં અમૃતમ કાર્ડ (Maa Amrutam card) ગરીબ દર્દીઓને મળતા મળી રહે તે માટે મહાનગરપાલિકાના સત્તાધીશોએ કોઈ નિર્ણય કરવો જોઈએ.