ગાંધીનગર : અમદાવાદમાં કોરોના વાઇરસના દિન પ્રતિદિન કેસો સામે આવતાં રાજ્ય સરકાર દ્વારા કોર્ટ વિસ્તારમાં કરફ્યુ બાબતે ચર્ચા કરવા માટે કોંગ્રેસના કોર્ટ વિસ્તારના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ, અને શૈલેષ પરમારને સીએમ નિવાસસ્થાને બેઠક કરવા બોલાવ્યાં અને સાંજે ખબર પડી કે ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ છે. ત્યારે સરકારી તંત્ર કામે લાગ્યું હતું. સાથે જ નર્મદા હોલમાં વિપક્ષના ધારાસભ્યોએ પત્રકાર પરિષદ યોજીને સરકારના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો.
સ્વર્ણિમ સંકુલ નર્મદા હોલનો તૂટ્યો પ્રોટોકોલ ?
સૂત્રો તરફથી મળતી માહતી પ્રમાણે સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે ફક્ત રાજયના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને કેબિનેટકક્ષાના પ્રધાનો જ કાર્યક્રમ અને પત્રકાર પરિષદ યોજી શકે છે. ઉપરાંત રાજ્ય કક્ષાના પ્રધાનોને પણ નર્મદા હોલમાં કાર્યક્રમ યોજી શકે નહીં તેવો સરકારી પ્રોટોકોલ છે, પણ તેમ છતાં પણ કોંગ્રેસ (વિપક્ષ) ના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કરેલ કરફ્યુની બેઠકની વાહવાહ મેળવવા અને મીડિયામાં ચમકવા માટે નર્મદા હોલમાં આવીને પત્રકાર પરિષદ યોજી, જ્યાં વર્તમાન સમયમાં ફક્ત રાજયના આરોગ્ય અગ્ર સચીવ જયંતી રવિ, પોલીસ વડા શિવાનંદ ઝા અને મુખ્યપ્રધાનના અંગત સચીવ અશ્વિનીકુમાર જ પત્રકાર પરિષદ યોજે છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાની સાથે જ સ્વર્ણિમ સંકુલમાં હાહાકાર મચી ગયો હતો, જ્યારે જે ખુરશીમાં ઇમરાન ખેડવાલા બેઠાં હતાં. તે જ ખુરશીમાં અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા જ બેઠાં હતાં. ગઈ કાલની ઘટના બાદ ઇમરાન ખેડવાલાની આસપાસ આવેલ સંપર્કમાં આવેલ તમામ લોકોના નામનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે., જેમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં હાજર રહેલા તમામ પત્રકારો, ડીજીપી, અમદાવાદ સીપી સહિતનું લિસ્ટ બનવવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ 1ના સીસીટીવી ચેક કરાયાં.
ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ, અને શૈલેષ પરમાર 2.30 વાગ્યાની આસપાસ સ્વર્ણિમ સંકુલમાં આવ્યાં હતાં ત્યારે જે સમયે આવ્યાં અને સ્વર્ણિમ સંકુલથી ગયાં તે સમયગાળાના તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે. અને કોને કોને મળ્યાં તે બાબતે પણ સરકાર માહિતી એકત્રિત કરી છે.
• સીએમ રૂપાણીએ ત્રણેય ધારાસભ્યો સાથે ટેલિફોન ચર્ચા કરી
ઇમરાન ખેડવાલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જ આજે સવારે સીએમ રૂપાણીએ પણ પોતાના અંગત ડોકટર પાસે ચેક અપ કરાવ્યું હતું જેમાં તેઓની તબિયત સારી છે, ઉપરાંત શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ સેલ્ફ હોમ કોરોન્ટાઇલ થયાં છે તેવા સમાચાર આવતાં મુખ્યપ્રધાબ વિજય રૂપાણીએ તેમની સાથે ટેલિફોનથી સારસંભાળ લીધી હતી.