- કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
- ટ્રાફિક પોલીસ માસ્ક સિવાય બાકીનો દંડ હાલ પૂરતો પ્રજા પાસેથી નહીં વસૂલે
- કોરોનાની હાલની પરિસ્થિતિને લઈ લેવાયો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાને લગતા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક પોલીસ માસ્ક સિવાય બાકીનો દંડ હાલ પૂરતો પ્રજા પાસેથી નહીં વસૂલે તેવો નિર્ણય કરવામાં આવ્યો. લોકોને અત્યારની પરિસ્થિતિમાં રાહત અપાઈ છે.
કોરોનાની બેકાબૂ સ્થિતિમાં લોકોને વાહનના અન્ય દંડથી મુક્તિ
અત્યારની કોરોનાની પરિસ્થિતિને લઈ લોકો આર્થિક રીતે પણ બેહાલ બની રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો મોટા પાયે દંડ વસૂલવામાં આવતો હતો. કોરોનાને કારણે લોકોને હોસ્પિટલ, લેબોરેટરી વગેરે જગ્યાએ વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે, આ પરિસ્થિતિમાં કેટલીકવાર જરૂરી કાગળો ન હોવાને કારણે વાહનો ડિટેઇન પણ કરવામાં આવતા હતા.
લોકો પાસે ક્યારેક દંડના રૂપિયા ન હોય ત્યારે વાહન પણ કરવામાં આવતા ડિટેઈન
જ્યારે પણ લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, ત્યારે પોલીસ દ્વારા ચાર રસ્તા પર ઉભા રહિને દંડ પણ વસૂલવામાં આવતો હતો. ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે 3,000થી 5000 તેમજ ક્યારેક 7 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. લોકો આ પ્રકારનો દંડ કોરોનાની પરિસ્થિતમાં એકસાથે ભરી શકતા ના હોવાથી ક્યારેક વાહન ડિટેઇન પણ થતા હતા. RTOમાં એક સાથે વધુ વાહન પણ જમા થતા હતા, જેથી ત્યાં પણ ભારણ વધી રહ્યું હતું. ઉપરથી ત્યાં કર્મચારીઓ પોઝિટિવ આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દસ દિવસ દંડ નહિ વસુલે
માસ્ક નહીં પહેરો તો 1 હજાર દંડ પોલીસ જરૂરથી વસૂલશે
કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું અતિ આવશ્યક છે, પરંતુ ઘણા નિયમોનું ઉલ્લંઘન પણ કરતા હોય છે, જેથી પોલીસ દ્વારા તેનું કડક પાલન કરાવવામાં આવશે. પહેલાની જેમ માસ્ક નહીં પહેર્યું હોય તો 1 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. જેથી માસ્ક નહીં પહેરો તો એક હજાર રૂપિયા પોલીસ જરૂરથી વસૂલશે.