ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના ટેસ્ટમાં જે 2500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો, તે હવે ઘટાડીને 1500 રૂપિયા કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ખાનગી મેડિકલ અને ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે ઘટાડાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડાનો અમલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 17 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા કોરોનાના ટેસ્ટ માટે 2500 રૂપિયાનો ચાર્જ ખાનગી લેબોરેટરી દ્વારા વસૂલ કરવામાં આવતો હતો, ત્યારે હવે 17 સપ્ટેમ્બરથી 2500ની જગ્યાએ 1500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે કોરોના ટેસ્ટમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીમાં કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટે પરવાનગી આપી હતી, ત્યારે કોરોનાનો ટેસ્ટનો 4500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ સમયાંતરે 2500 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો અને આજે 1500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાની જાહેરાત કરી છે.