ગાંધીનગર: ગુજરાત રાજ્યના મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત જણાવ્યું હતું કે, રાજ્યના મલ્ટીપ્લેક્ષ ખોલવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં પત્ર લખવામાં આવ્યો છે. જેમાં લોકડાઉન 5.0 દરમિયાન મલ્ટીપ્લેક્ષ ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપે, આ સાથે જ મલ્ટીપ્લેક્ષમાં સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. જેમાં એક સીટ છોડીને એક સીટ પર જ દર્શકોને બેસાડવામાં આવશે, સમયાંતરે મલ્ટીપ્લેક્ષને સેનેટાઈઝ કરવામાં આવશે, ઉપરાંત જે લોકો મુવી જોવા આવે તેમનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે, માસ્ક પણ ફરજીયાત અમલ કરવામાં આવશે.
ઉપરાંત રાજ્ય સરકાર 50 ટકા સુધી ઇલેક્ટ્રીક બીલમાં માફી આપે, અને 1 એપ્રિલથી લોકડાઉન સુધીનો જીએસટી ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવે અને આવતા 6 મહિના સુધી 50 ટકા પ્રોપર્ટી ટેક્સ અને જીએસટીમાં માફી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રાકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 માસ અને 13 દિવસ એટલે કે, 73 દિવસથી રાજ્યના તમામ થિયેટર અને મલ્ટીપ્લેક્ષ બંધ છે, રાજ્ય સરકારની સૂચનાથી 16 માર્ચથી થિયેટર અને મલ્ટીપ્લેક્ષ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી તમામ મલ્ટીપ્લેક્ષમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં મલ્ટીપ્લેક્ષમાં 1 કરોડનું નુકસાન થયું છે આમ, રાજ્યમાં કુલ 200 જેટલા મલ્ટીપ્લેક્ષ આવેલ છે એ સાથે જ કર્મચારીઓના પગાર, પ્રોપર્ટી ટેક્સ જેવા ખર્ચ પણ ઉભા જ છે.