- ગુજરાતનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરાયું હતું
- ગુજરાતમાં રજૂ કરાયેલા 76 બજેટ પૈકી સૌથી વધુ 18 બજેટ વજુભાઈ વાળાએ રજૂ કર્યાં
- નાણાપ્રધાન તરીકે નીતિન પટેલ આજે 9મી વખત બજેટ રજૂ કરશે
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તાપક્ષની ભવ્ય જીત બાદ નાણાપ્રધાન નીતિન પટેલ 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ ડિજિટલ રહેશે. મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.
બજેટ રજૂ કરતાં પહેલાં નાણાપ્રધાન નીતિન પટેલનું નિવેદન
નાણાપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરવા જાય તે અગાઉ તેમણે નિવેદન આપ્યું હતુ. જેમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યના તમામ ગુજરાતીઓમાં સૌનો સાથ સૌનો વિકાસ ચરિતાર્થ થાય તે પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવશે. કોરોનાકાળ બાદનું આ પ્રથમ બજેટ છે. કારણ કે, કોરોનાનાં સમયમાં તમામ લોકોને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી સુવિધાઓને પણ વિકસાવવામાં આવે તે પ્રકારની વ્યવસ્થાઓ બજેટમાં કરવામાં આવી છે.
આજરોજ વિધાનસભા સત્રની બે બેઠકો યોજાશે. સવારે 10થી 2:30 કલાક સુધી ચાલનારી પ્રથમ બેઠક પ્રશ્નોત્તરીકાળથી શરુ થશે. જ્યારબાદ ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, ઉદ્યોગ, શહેરી વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં વિધાનસભાનાં વિવિધ કામોના કાગળો મેજ પર મુકવામાં આવશે. જ્યારબાદ નાણાપ્રધાન બજેટ રજૂ કરશે.
આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મુકાશે?
કોરોનાને કારણે દેશની આરોગ્યલક્ષી સુવિધાઓ પર પ્રશ્નો ઉભા થયા હતા. કોરોના દરમિયાન રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી સુવિધાઓનું રિયાલિટી ચેક થયા બાદ આ બજેટમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મુકાશે કે કેમ? તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
આ બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી ધારણા રખાઈ રહી છે. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવાની સાથે સાથે મહત્તમ રોજગારી નિર્માણ કરવાના મુદ્દા પર પણ ફોકસ કરવામાં આવશે. તેવી જ રીતે નાના નાના એકમો વધુ સારી રીતે ઔદ્યોગિક કામગીરી કરી શકે તે માટે મિનિ ક્લસ્ટર ડેવલપ કરીને તેમને જરૂરી સુવિધાઓ તત્કાળ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
116 નોટિસો બાદ આ ત્રણ વિધેયકો કરાશે રજૂ
- 2021નું ગુજરાત રાજવિત્તિય જવાબદારી સુધારા વિધેયક
- 2021નું પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સુધારા વિધેયક
- 2021નું ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક