ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં નવરાત્રીને લઈને મહત્વની ચર્ચા થઈ હોવાની સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વાઇબ્રન્ટ નવરાત્રીનો કાર્યક્રમ રદ કર્યો છે. સાથે સાથે રાજ્યમાં જે મોટા ગરબા આયોજકો છે, તેઓએ પણ ગરબા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
આ સમયગાળા દરમિયાન હવે ગરબા રસિકો શેરી ગરબા થશે કે નહીં તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની SOPના આધારે શહેરી ગરબા થશે કે નહીં તે અંગેની ચર્ચા કરવામાં આવશે. અગાઉ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શેરી ગરબા કઈ રીતે કરવા, કેટલા લોકોની સંખ્યા રાખવી જેવા તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ બહાર પાડી છે, તેમ છતાં રાજ્ય સરકારે હજુ સુધી નવરાત્રી કઇ રીતે ઊજવવી તે અંગેની SOP બહાર પાડી નથી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી પોલીસી અને નિયમોને રાજ્ય સરકાર દ્વારા અનુસરવામાં આવતી હોય છે. ત્યારે ટૂંક સમયમાં જ અમદાવાદ, રાજકોટ, સુરત અને રાજ્યના તમામ વિસ્તારોમાં તે અંગેની એક ખાસ ગાઈડલાઇન્સ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ બહાર પાડશે.