- સરકારની આવકના આંકડાઓ સામે આવ્યા
- પેટ્રોલ-ડીઝલની આવકના આંકડા ગૃહમાં સામે આવ્યા
- અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો હતો પ્રશ્ન
- સરકારે વર્ષ-2020માં પેટ્રોલમાં 3919.76 અને ડીઝલમાં 8753.58 કરોડની આવક
ગાંધીનગર: કોરોના વૈશ્વિક મહામારી અને લોકડાઉનના કારણે રાજ્ય સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો હતો, ત્યારે રાજ્યના નાણાં પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. બુધવારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલથી કેટલા રૂપિયાની આવક થઈ છે તે અંગેનો આંકડો જાહેર થયો હતો. જેમાં રાજ્ય સરકારને વર્ષ-2020માં પેટ્રોલમાં 3919.76 અને ડીઝલમાં 8753.58 કરોડની આવક નોંધાઇ છે.
આ પણ વાંચો: રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાવવાના બાકી
સરકાર કેટલા ટકા સેસ અને વેરાનો દર લગાવે છે
વિધાનસભા ગૃહમાં અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પેટ્રોલ અને ડીઝલ પર વેરાની આવક બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારી લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ લગાવે છે. જેમાં પેટ્રોલ પર 20.1 ટકા અને ડીઝલ પર 20.2 ટકા અને 4 ટકા સેસ લગાવે છે, જ્યારે છેલ્લા બે વર્ષની આવકની વાત કરવામાં આવે તો વર્ષ-2019માં પેટ્રોલમાં 4462.20 અને ડીઝલમાં 9776.68 કરોડની આવક રાજ્ય સરકારને વેટ અને સેસ સ્વરૂપે નોંધાઇ છે.
આ પણ વાંચો: પાણી પુરવઠા વિભાગે એક દિવસ અગાઉ ' વિશ્વ જળ દિવસ'ની ઉજવણી કરી
સરકારે નાણાંકીય સંસ્થાઓ પાસેથી લીધી લોન
રાજ્ય સરકાર દ્વારા અનેક રીતે નાગરિકો પર ટેક્સ લગાવીને આવક રળવામાં આવે છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કરોડોની લોન લેવાની વાત વિધાનસભા ગૃહમાં સામે આવી છે. જેમાં વર્ષ 2018-19માં 3980 કરોડ અને વર્ષ 2019-20માં 4000 કરોડની લોન રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે. જેમાં સરકારે લોનપેટે વર્ષ 2018-19માં 1651 કરોડ મુદ્દલ અને 757 કરોડ વ્યાજ ચૂકવ્યા છે અને વર્ષ 2019-20માં 1997 કરોડ મુદ્દલ અને 882 કરોડ વ્યાજ ચૂકવામાં આવ્યું છે.